જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, ધ્રોલ જામવાડીમાં પોણો ઇંચ
હાલારમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, બંદર ઉપર હાલમાં કોઇ ભયસૂચક સીગ્નલ નહીં, જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ
સવારથી કાળા ડિબાંગ વાદળોથી ભાદરવામાં અષાઢી માહોલ, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા, મુરઝાતી મોલાતને જીવતદાનની આશા
હાલારમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સવારે ૧૦ થી ત્રણ કલાક માટે હવામાન ખાતે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજ સવારથી જ જામનગર શહેરમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઇ જવા પામ્યા હતા અને ઝરમર ઝરમર વરસાદનું આજ સવારથી જ પ્રારંભ થયો છે. જિલ્લાના બંદરો ઉપર હાલ કોઇ ભયસૂચક સીગ્નલ આપવામાં આવ્યું નથી. હાલ ભાદરવામાં અષાઢી માહોલ છવાયો છે.
શહેર જિલ્લામાં હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે. વરસાદના આગમનથી મુરઝાતી મોલને જીવનદાનની આશા મંડાઇ છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જિલ્લાનાં ધ્રોલ, અને જામવાડીમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણો ઇંચ વરસાદ આવતા લોકોમાં આનંદની લાગણી પસરી જવા પામી છે. જિલ્લાનાં વાંસજાળીયા, પરડવા, સમાણા, શેઠવડાળા, નિકાવા, અને બાલંભામાં છેલ્લા ચોવીસ કલાકમાં ઝાપટારૂપી વરસાદ વરસ્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બન્ને જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ આવવાની સંભાવના દર્શાવાઇ રહી છે.
મેઘાવી માહોલ વચ્ચે કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૧.૫, લઘુતમ ૨૫, ભેજ ૯૭ ટકા, અને પવનની ગતિ ૩૦ થી ૩૫ પ્રતિ કલાક રહેવા પામી છે. જામનગર શહેરમાં ગઇકાલે હવામાનમાં ગરમી અને ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. રવિવારે નોંધાયેલા તાપમાનમાં લઘુતમ તાપમાન ૨૬ ડીગ્રી, મહતમ ૩૩.૬ ડીગ્રી, અને ભેજનું પ્રમાણ ૮૪ ટકા નોંધાયુ હતું. ભેજનું પ્રમાણ વધારે રહેવાથી તાપમાનની સરખામણીએ ઉકળાટ વધુ અનુભવાયો હતો.
શ્રાવણ માસ કોરોકટ્ટ ગયા પછી ભાદરવામાં સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો અને ઝરમર ઝરમર રૂપે વરસાદનો પ્રારંભ થયો છે. ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વરસાદ આવ્યો હતો જયારે જામનગરમાં પણ ગત રાત્રીનાં ઝરમર ઝરમર રૂપે વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આજે ગણેશજીના આગમન સાથે વરસાદનો પ્રારંભ થતા લોકોમાં ભાદરવા મહિનાની સારા વરસાદની આશા બંધાણી છે.
રાજયમાં હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે. જયારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે યલ્લો એલર્ટ આપવામાં આવી છે. હાલારના દ્વારકા અને ઓખામાં હજુ વરસાદ આવ્યો નથી દ્વારકામાં આજ સવારથી સુર્યનારાયણના દર્શન થયા હતા. દ્વારકા અને ઓખા મંડળની સાથે સમગ્ર દ્વારકા જિલ્લાનાં ખેડુતો વરસાદની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે.