આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બારાડી ગામે કંકાવટી નદી પર ચેકડેમના ખાતમુહૂર્તના સરકારી કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગ (ૠઅઉ) ના નિયત પ્રોટોકોલ અને લોકશાહી મૂલ્યોનો સરેઆમ ભંગ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ એન. રાઠોડે જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર પાઠવીને જવાબદારો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, પ્રજાના ટેક્સના નાણાંમાંથી યોજાતા આવા સત્તાવાર સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોના નામો પ્રોટોકોલ વિરુદ્ધ જઈને સરકારી ખર્ચે છાપવામાં આવ્યા છે. બીજી તરફ, વિરોધ પક્ષો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જવાબદાર હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સદંતર ઉપેક્ષા કરીને તેમને પ્રોટોકોલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ પ્રકારનું વલણ સરકારી તંત્ર અને ભંડોળનો દુરુપયોગ કરી કોઈ ચોક્કસ પક્ષને રાજકીય ફાયદો કરાવવાની નીતિ દર્શાવે છે, જે લોકશાહી પ્રણાલી અને તટસ્થ વહીવટી તંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે. આ ગંભીર ભેદભાવ અને પ્રોટોકોલ ભંગની તાત્કાલિક નોંધ લઈ, વિવાદાસ્પદ આમંત્રણ પત્રિકા મંજૂર કરનાર તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ જવાબદાર સરકારી અધિકારીઓ સામે તપાસ સમિતિ નીમીને સખત કાયદેસરના પગલાં ભરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.