ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે ૬૦ ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબકી જતા સમગ્ર ઘટનાની જાણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સંસ્થાના સેવકો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ જુવાનગઢ ગામના વિસ્તારમાં આવેલા આશરે ૬૦ ફૂટ ઊંડા કૂવામાં એક શિયાળ અકસ્માતે ખાબકી ગયું હતું.કૂવો ઊંડો હોવાથી શિયાળ બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હતું. સ્થાનિકોએ શિયાળને કૂવામાં ફસાયેલું જોતા તાત્કાલિક એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. જે અંગે જાણ થતાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સેવકો દેશુર ધમા, કુણાલ વાઘેલા, રવિ વકાતર અને સતીશ ભોગાયતા સહિતની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કૂવામાં તપાસ કરતાં શિયાળ ઉપરાંત એક સર્પ પણ જોવા મળ્યો હતો. જેના કારણે રેસ્ક્યુ કામગીરી વધુ સાવચેતીપૂર્વક હાથ ધરવી પડી હતી.
રેસ્ક્યુ ટીમે પોતાની સલામતીની સાથે બંને વન્યજીવોને કોઈ ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખી હતી. નેટની ઝાડી સહિતના સાધનોની મદદથી કૂવામાં ફસાયેલા શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ કૂવામાં રહેલા સર્પનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ બંને વન્યજીવોને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અબોલ પશુ-પક્ષીઓ તેમજ વન્યજીવો માટે સતત કરવામાં આવતી સેવાકીય કામગીરીના ભાગરૂપે વધુ એક સફળ રેસ્ક્યુ હાથ ધરીને ઊંડા કૂવામાં ફસાયેલા શિયાળ સહિત સર્પને સુરક્ષિત રીતે બહાર કાઢી, બંનેનો જીવ બચાવ્યો હતો.