જામનગરવાસીઓ તમારો રૂપીયા ૧૦,૦૦૦ થી વધુ વેરો બાકી છે, તો મનપા ફટકારશે નોટીસ
જામનગરવાસીઓ તમારો ૧૦૦૦૦થી વધુ વેરો બાકી હશે તો મહાનગરપાલીકા નોટીસ ફટકારશે. કારણ કે, બાકી વેરા વસૂલાતની મનપા દ્વારા શરૂ કરવામાં આવેલી કડક ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી વોર્ડ વાઇઝ શરૂ કરવામાં આવી છે. શહેરમાં રહેણાંક, કોર્મશીયલ અને ઓપન પ્લોટનો ૩૬૦ કરોડથી વધુ બાકી વેરાની વસૂલાત માટે મહાપાલીકાની ૪ ટીમ મેદાનમાં ઉતરી છે. આટલું જ નહીં બાકી વેરા સબબ રહેણાંક મકાનોમાં કોર્ટમાં દાવો, ઓપન પ્લોટમાં બોજો અને કોર્મશીયલ મિલકતોમાં મનપા દ્વારા સીલીંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.
જામનગર મહાનગરપાલીકાના ચોપડે ઓકટોબર મહીનાની સ્થિતિએ કારપેટ અને રેન્ટ બેઇઝ મિકલત અને પાણી સહીત અંદાજે કુલ ૫૬૦ કરોડનો વેરો આસામીઓએ ભરપાઇ ન કર્યાનું એટલે કે બાકી બોલી રહ્યો છે. જેમાં રેલવે વિભાગે મન૫ાને વેરા પેટે ૧૬૦ કરોડ ચૂકવ્યા નથી. જયારે શહેરમાં ૪૯૭૦૦ ઓપન પ્લોટનો ૫૬ કરોડ, રહેણાંક મિલકતોનો ૨૦૯ કરોડ અને કોર્મશીયલ મીલકતોના ા.૯૫ કરોડના વેરાનો સમાવેશ થાય છે. આ બાકી વેરાની વસૂલાત માટે મહાનગરપાલીકાના દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાના કમિશ્ર્નર દીપેશ કેડીયાની સૂચનાથી મિલકત વેરા શાખા દ્વારા બાકીદારોની મીલકત સીલ અને નળ જોડાણ કાપવાની કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. આ માટે મિલકત વેરા શાખાની ૪ ટીમ બાકી વેરાની વસૂલાત માટે મેદાનમાં ઉતરી છે. આટલું જ નહીં બાકી વેરાની વસૂલાત ઝડપથી થાય તે માટે નિયમ મુજબ વોરંટ અને અનુસૂચિની કાર્યવાહી વેગવાન બનાવામાં આવી છે. જે અંતર્ગત જે આસામીઓનો ૧૦૦૦૦ થી વધુ વેરો બાકી હશે તેને નોટીસ ફટકારવામાં આવશે. આ માટે તબકકાવાર શહેરના એક પછી એક વોર્ડમાં જે આસામીનો વેરો ૧૦૦૦૦ થી વધુ બાકી હશે તેને નોટીસ પાઠવવામાં આવશે. આ કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે.
તદઉપરાંત કરોડોનો બાકી વેરો વસૂલવા મનપા દ્વારા બાકીદારો પર કાયદાનો સંકજો પણ કસવામાં આવશે. કારણ કે, મનપા બાકી વેરાના કિસ્સામાં રહેણાંક મિલકતોમાં કોર્ટમાં દાવો દાખલ કરશે તો ઓપન પ્લોટમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોજો દાખલ કરાશે. જયારે કોર્મશીયલ મીલકતોને સીલ મારવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, ઓકટોબર મહીનાની સ્થિતિએ શહેરમાં ૨૪૫૦૦૦ મિલકતોનો કુલ ૫૬૦ કરોડ જેટલો વેરો મનપાના ચોપડે બાકી બોલી રહ્યો છે ત્યારે આ બાકી લેણાંની વસૂલાત એ મહાનગરપાલીકા માટે સૌથી મોટો પડકાર બન્યો છે. મહાનગર-પાલિકાના કમિશનરની સૂચના અનુસાર હાઉસ ટેક્સ વિભાગ અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ બાકી વેરાની વસૂલાત માટે વધુ કડક પગલાં લેવામાં આવશે. આથી શહેરના તમામ મિલકતધારકોને પોતાનો બાકી મિલકત વેરો અને પાણી વેરો વહેલી તકે ભરપાઈ કરવા અનુરોધ કરાયો છે.