BREAKING NEWS

ગોંડલના મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની 'ગરાસીયા ગેંગ' ઝડપાઈ

  • September 19, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ગોંડલ વિસ્તારમાં આવેલા મંદિરોને નિશાન બનાવી ચોરી આચરતી રાજસ્થાનની કુખ્યાત ગરાસીયા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી બે વણશોધાયેલા મંદિર ચોરીના ગુના ઉકેલી નાખ્યા છે.
 ગોંડલના ભોજરાજપરામાં આવેલા મામાદેવના મંદિરમાંથી રાત્રિ દરમિયાન દીવાલ કુદીને તાળું તોડી આશરે રૂ. 3 લાખની કિંમતનાં ચાંદીના છત્તર ચોરાયા હતા. આ સિવાય ભરૂડી ગામે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચાંદીનું મુગટ, છત્તર, સોનાની ટીલડી, નાકની નથડી અને દાનપેટીની રોકડ રકમ મળી કુલ રૂ. 1.81 લાખથી વધુની ચોરી થઈ હતી.
આ બનાવો સંદર્ભે LCB સ્ટાફ દ્વારા બનાવ વાળી જગ્યાના તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા.  જેમા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ નેત્રમ શાખાની મદદથી એક ઈકો કાર (GJ-08-DJ-7996) શંકાસ્પદ જણાઈ આવી હતી.  દરમિયાન બાતમીના આધારે પોલીસે ગોંડલ નેશનલ હાઈવે પર આવેલી માલધારી હોટલ પાસેથી કારને આંતરીને તલાશી લેતા આધાર-પુરાવા વગરના ચાંદીના છત્તર સાથે ત્રણ ઈસમો મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી મુંગલારામ રાવતારામ અંગારી (ઉં.વ. 35, રહે. આબુરોડ, રાજસ્થાન), શંકર ઓદાભાઇ ડુંગસીયા (ઉં.વ. 40, રહે. દાંતા, બનાસકાંઠા) અને રૂપારામ પ્રેમારામ બુમરીયા (ઉં.વ. 51, રહે. આબુરોડ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે આ ગેંગના અન્ય બે સાગરીતો નોજારામ પદમારામ (રહે. ઉદયપુર) અને લખારામ પ્રભુરામ (રહે. પાલી)ને પકડવાના બાકી છે.
આરોપીઓ પાસેથી પોલીસે કુલ 2 કિલો 523 ગ્રામ વજનના 158 ચાંદીના છત્તર કિંમત રૂ. 3,78,900, ઈકો કાર કિંમત રૂ. 2,00,000 અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 5,89,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ આરોપીઓ રાત્રિના સમયે ફોરવ્હીલ કારમાં આવી મંદિરના તાળા તોડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. હાલ તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News