મકાનમાં ચીજવસ્તુઓ વેરવિખેર હોવાથી લૂંટના ઇરાદે હત્યાની આશંકા : નોકરાણી અને એક શખ્સ ભેદી રીતે ગુમ હોવાથી તપાસનો ધમધમાટ : એએસપી, એલસીબી સહિતનો કાફલો રાત્રીના દોડી ગયો : પંથકમાં ચકચાર
લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ વાછાણીની ઘરમાં જ ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના માથાના ભાગે ઇજાઓના નિશાન જોવા મળતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. અંદર ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં રોકડ રકમ અથવા અન્ય માલમત્તાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
લાલપુરમાં રહેતા મનસુખભાઈ રામજીભાઇ વાછાણી (ઉ.વ.૬૬) પીજીવીસીએલમાંથી નિવૃત્ત થયા બાદ પોતાના ઘરે એકલા રહેતા હતા. તેમના પત્ની અને પુત્ર અમદાવાદમાં રહે છે. પુત્ર અમદાવાદમાં કારખાનું ચલાવતા હોવાથી તથા પરિવારનાં બે નાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારીને કારણે મનસુખભાઈનાં પત્ની પણ અમદાવાદમાં રહેતાં હતાં. આથી લાલપુરમાં મનસુખભાઈ એકલા જ રહેતા હતા.
દરમિયાન, ગઈ કાલે રાત્રે મનસુખભાઈના ઘરમાંથી કોઈ હલચલ જણાતી ન હતી. તેમના ઘરના દરવાજાને બહારથી તાળું મારેલું ન હોવાની અને ઘરની લાઇટ પણ ચાલુ ન થતી હોવાની બાબતથી આસપાસના રહેવાસીઓને શંકા ગઈ હતી. આથી પાડોશીઓએ મનસુખભાઈના લાલપુરમાં જ રહેતા નાના ભાઈ મહેન્દ્રભાઈ વાછાણીને જાણ કરી હતી. મહેન્દ્રભાઈએ ઘરે પહોંચીને દરવાજો ખોલી તપાસ કરતાં મનસુખભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાલપુરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી એસ.પી. ગોહિલ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં એએસપી પ્રતિભા અને એલ.સી.બી. પીઆઇ ચૌધરી સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગઇ રાત્રીના બનાવના પગલે પોલીસે ઘટના સ્થળ અને આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી સીસી કેમેરાના આધારે ચક્રો ગતીમાન કર્યા હતા. આ ચકચારી બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં કામકાજ માટે આવતી એક સગીરા અને તેના સંપર્કમાં રહેલા યુવાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સગીરા હાલ ગુમ હોવાનું અને તેની સાથે સંપર્કમાં રહેલો અક્ષય નામનો યુવાન પણ મળી આવતો ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, હત્યામાં તેમની સંડોવણી અંગે તપાસના અંતે ચોકકસ કડીઓ ખુલવા પામશે.