BREAKING NEWS

રાષ્ટ્રીય સ્તરની એર રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં જામનગરના શૂટરોનો દબદબો

  • October 13, 2026 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય સ્તરની એર રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં જામનગરના શૂટરોનો દબદબો

૫ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ સાથે જામનગર સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું

મહારાષ્ટ્રના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજી નગર) ખાતે ગત તારીખ ૧૧/૧૦/૨૦૨૬ના રોજ એર રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નેશનલ લેવલ એર રાઈફલ શૂટિંગ ઇન્વિટેશન ટૂર્નામેન્ટમાં જામનગરની એર રાઈફલ શૂટિંગ ક્લબના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, તમિલનાડુ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સહિતના વિવિધ રાજ્યોમાંથી આશરે ૨૫૦ જેટલા નિશાનબાજોએ ભાગ લીધો હતો.

આ કઠિન સ્પર્ધા વચ્ચે જામનગરના શૂટરોએ શાનદાર દેખાવ કરીને કુલ ૫ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં અંડર-૧૪ કેટેગરીમાં આદિત્ય ત્રિવેદીએ ગોલ્ડ મેડલ, અંડર-૧૭ કેટેગરીમાં જીત મહેતાએ ગોલ્ડ મેડલ તથા જીત દવેએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ઓપન કેટેગરીમાં ભવ્ય દવેએ સુવર્ણ પદક અને વેટરન કેટેગરીમાં અનિલભાઈ નારોલાએ ગોલ્ડ મેડલ હાંસલ કરી ઝળહળતી સિદ્ધિ મેળવી હતી.

શૂટરોના આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આધારે સમગ્ર ટૂર્નામેન્ટમાં જામનગર એર રાઈફલ ક્લબને ’બેસ્ટ પાર્ટિસિપેશન ટ્રોફી’થી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ તમામ વિજેતા ખેલાડીઓએ કોચ અજયસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કઠોર તાલીમ મેળવી હતી. આ ભવ્ય સફળતા બદલ તમામ મેડલ વિજેતા ખેલાડીઓ અને કોચ પર ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application