દ્વારકા તાલુકામાં ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ ...?
જે દવા ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર આપવાની મનાઈ છે તેવી દવા દર મહિને લાખો પિયાની વેચાતી હોય અને તેની સામે ડોક્ટરની લખેલી પ્રિસ્ક્રિપ્શન ખુબ જ નહિવત કે ઓછા પ્રમાણમાં હોય તો તેનો મતલબ શું સમજવો ?
દ્વારકા તાલુકામાં મેડિકલ સ્ટોર્સની વેચાયેલી દવા અને તેની સામે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનનું ક્રોસ વેરીફીકેશન થાય તો ભોપાળું બહાર આવે ! પણ શું જવાબદાર તંત્રને એટલી ફુરસદ છે ? ઘણા મેડિકલ સ્ટોર્સ ધારકો ઈમાનદારીથી વ્યવસાય કરે છે પરન્તુ તેનો મતલબ એવો પણ નથી કે આ વ્યવસાયમાં બધા દૂધે ધોયેલા છે.
વ્યક્તિ જ્યારે બિમાર હોય ત્યારે તેની અને તેનાં પરિવારની માનસિક સ્થિતિ અસ્થિર હોય. ડો. જે દવા લખી આપે તે લઈને તંદુરસ્ત થવા તરફ જ તેનું ધ્યાન કેન્દ્રિત હોય. આવા સંજોગોમાં મેડિકલ સ્ટોર્સ માંથી અપાતિ દવાની ખરાઈ કે અન્ય બાબતોમાં ધ્યાન ન હોય પરન્તુ જવાબદાર તંત્રએ તાલુકામાં સજાગ રહીને રજી. થયેલાં મેડિકલ સ્ટોર્સ ધારકો નિયમિત નિયમોને અનુસરે છે કે નહીં તે નિયમિત ચેક કરતું રહેવું જોઈએ.
જે વ્યક્તિનાં નામે લાયસન્સ હોય તે વ્યક્તિ ની હાજરી અને દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ થાય છે કે નહીં તે સખત અને સતત જોતાં રહેવું જોઈએ. દ્વારકા તાલુકામાં બોગસ ડોકટરો ઘણી વખત પકડાયા છે પરન્તુ મેડિકલ સ્ટોર્સ નું ચેકીંગ થયું, કાર્યવાહી થઈ કે દંડ થયો અથવા મેડિકલ સ્ટોર્સ અન્ય વ્યક્તિ દ્વારા સંચાલિત હોય અને કાર્યવાહી થાય તેવું ક્યારે પણ જોવાં સાંભળવામાં આવ્યું નથી. તો શું જવાબદાર તંત્ર માત્ર "દિવાળી" નાં રામ રામ કરવા જ આવતું હશે ?
ભારતમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ અને ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ હેઠળ દવાઓના વેચાણ પર નિયંત્રણ છે. ખાસ કરીને શિડ્યૂલ H, H1 અને Xમાં આવતી દવાઓ નોંધાયેલા તબીબના પ્રિસ્ક્રિપ્શન મુજબ જ વેચી શકાય છે. પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓનું વિતરણ લાઇસન્સધારક મેડિકલ સ્ટોરમાંથી નોંધાયેલા ફાર્માસિસ્ટની વ્યક્તિગત દેખરેખ હેઠળ થવું જોઈએ.
મોટા ડોક્ટરની ફી પોસાય નહીં ત્યારે કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ મેડિકલ સ્ટોરમાંથી સીધી દવા મેળવીને સારવાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ દરેક રોગ માટે એકસરખી દવા યોગ્ય હોતી નથી. ખોટી દવા, ખોટો ડોઝ, દવાઓની આડઅસર અથવા અન્ય દવાઓ સાથેની પ્રતિક્રિયા દર્દીના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
જો નિયમોનો ભંગ કરીને દવાનું વેચાણ થયું હોય અને દર્દીને નુકસાન પહોંચ્યું હોય, તો ઘટનાની હકીકતો, દવાના પ્રકાર અને સંબંધિત વ્યક્તિની ભૂમિકાના આધારે જવાબદારી નક્કી થઈ શકે છે. આવા કિસ્સામાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
દ્વારકા તાલુકાની મેડિકલ સ્ટોર્સની કામગીરી અંગે સંબંધિત તંત્રએ શું છેલ્લા ઘણાં સમયથી ચેકીંગ કે વિઝીટ કરી છે? એવાં સવાલો પ્રજામાં પ્રસ્તુત થાય છે કે દ્વારકા તાલુકામાં લાઇસન્સધારક મેડિકલ સ્ટોર્સ કાર્યરત છે તેનું વાર્ષિક કે છમાસિક ઇન્સ્પેક્શન થાય છે ? છેલ્લાં એક વર્ષમાં કેટલી મેડિકલ સ્ટોર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કેટલી સામે નિયમભંગ બદલ કાર્યવાહી થઈ? દરેક મેડિકલ સ્ટોરમાં નોંધાયેલા ફાર્માસિસ્ટની હાજરી અને નોંધણીની ખરાઈ કરવામાં આવે છે કે નહીં? શિડ્યૂલ H, H1 અને Xની દવાઓના વેચાણના રેકોર્ડ તથા જરૂરી પ્રિસ્ક્રિપ્શનની તપાસ થાય છે કે નહીં? પ્રતિબંધિત અથવા ગેરકાયદેસર રીતે વેચાતી દવાઓ અંગે કોઈ ફરિયાદ મળી છે? જો મળી હોય તો શું કાર્યવાહી થઈ? બોગસ તબીબો સામેની કાર્યવાહી સાથે ગેરકાયદેસર દવાનું વેચાણ થતું હોય તો તેની તપાસ માટે સંકલિત અભિયાન હાથ ધરવામાં આવે છે કે નહીં? દ્વારકા તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંયુક્ત રીતે નિયમિત તપાસનું આયોજન કરવામાં આવે છે કે નહીં?
દ્વારકા તાલુકામાં કોઈ મેડિકલ સ્ટોર નિયમોનું ઉલ્લંઘન કરતું હોય તો તેની સામે કાર્યવાહી કરવાની જવાબદારી સંબંધિત ડ્રગ્સ કંટ્રોલ તંત્રની છે. માત્ર લાઇસન્સ હોવું પૂરતું નથી; દવાઓનું વેચાણ કાયદા મુજબ થાય, જરૂરી રેકોર્ડ જળવાય અને ફાર્માસિસ્ટની ફરજિયાત દેખરેખનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું પણ એટલું જ જરૂરી છે.
હવે જોવાનું એ છે કે આરોગ્ય વિભાગ અને ડ્રગ ઇન્સ્પેક્ટર આ સવાલોને ગંભીરતાથી લઈને દ્વારકા તાલુકાની મેડિકલ સ્ટોર્સનું પારદર્શક નિરીક્ષણ કરશે કે પછી દર્દીઓના આરોગ્ય સાથે જોડાયેલા આ પ્રશ્નો માત્ર કાગળ પર જ રહી જશે?
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આરોગ્ય વિભાગ અને સંબંધિત ડ્રગ કંટ્રોલ અધિકારીઓ દ્વારા દ્વારકા તાલુકાની મેડિકલ સ્ટોર્સનું નિયમસર નિરીક્ષણ કરવામાં આવે, ફાર્માસિસ્ટની હાજરી તથા દવાના વેચાણના રેકોર્ડની ચકાસણી કરવામાં આવે અને જ્યાં નિયમભંગ સાબિત થાય ત્યાં કાયદા મુજબ કડક કાર્યવાહી કરવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application