જામનગરમાં બે જુથ સામે ગુજસીટોક કેસમાં સ્પે. કોર્ટમાં ચાર્જશીટ રજુ
ગુપ્ત સાક્ષીઓના નિવેદનો, મિલકતો અને નાણાકીય બાબતો, ક્રાઇમ કુંડળી અને ઇલેકટ્રોનીક પુરાવા કોર્ટ સમક્ષ મુકાયા
જામનગરમાં કોર્પોરેટરના બે જુથો સામે ગુજસીટોકના કેસમાં પોલીસ દ્વારા સ્પે. કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી છે, જેમાં આરોપીઓની ક્રાઇમ કુંડળી, ગુપ્ત સાક્ષીઓના નિવેદનો, ઇલેકટ્રોનીક પુરાવા અને મિલકત સબંધી વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે.
જામનગરના વોર્ડ નં. ૧૨ના બે વિપક્ષી કોર્પોરેટરો સહિતના જુથના કુલ ૨૯ આરોપીઓ સામે થોડા મહિના પહેલા ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને એસપી ડો. રવિ મોહન સૈની તથા સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ દ્વારા આરોપીઓની અટકાયત કરી રીમાન્ડ પર લીધા હતા એ પછી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં તપાસનીશ અધિકારી દ્વારા બંને જુથો સામે વિગતવાર તપાસ બાદ ગુપ્ત સાહેદોના નિવેદનો ધરાવતુ ચાર્જશીટ તૈયાર કરીને રાજકોટની સ્પે. ગુજસીટોક અદાલતમાં રજુ કર્યુ છે, આગામી દિવસોમાં આ કેસની આગળની કાર્યવાહી હાથ ધરાશે કેસની પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓના ગુનાહીત પરસ્પર સબંધ પુરવાર કરવા માટેના ઇલેકટ્રોનીક પુરાવા, ડીજીટલ રેકર્ડ ઉપરાંત ક્રાઇમ કુંડળી અને આરોપીઓ દ્વારા ધમકાવીને મેળવેલા નાણાની વિગતો તેમજ મિલકતો સબંધે માહિતી એકત્ર કરીને વિગતવાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અસલમ ખીલજી જુથના ૧૮ સાગરીતો સામે ૪૬ ગુના નોંધાયેલા અને અલતાફ ખફી જુથના ૧૧ સાગરીતો સામે ૫૨ ગુના નોંધાયા હતા દરમ્યાનમાં ગુજસીટોક હેઠળ બંને જુથ સામે સીટી-એ ડીવીઝનમાં ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.