જામનગરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપના વેપારી સાથે ૨૪.૭૮ લાખની છેતરપીંડી
જામનગરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપના વેપારી સાથે ૨૪.૭૮ લાખની છેતરપીંડી
August 28, 2026 12:06 PM
જામનગરમાં એલ્યુમિનિયમ સ્ક્રેપના વેપારી સાથે ૨૪.૭૮ લાખની છેતરપીંડી
ઇન્સ્ટાગ્રામમાં જાહેરાતથી સંપર્ક કેળવી દિલ્હીના દલાલ અને પેઢીના માલિકે ચુનો ચોપડયો: પોલીસ દ્વારા તપાસ
જામનગરના એલ્યુમિનિયમ સ્ક્રેપના વેપારી સાથે ૨૪.૭૮ લાખની છેતરપીંડી થયાની ફરિયાદ દિલ્હીના દલીલ અને પેઢીના માલિક સામે નોંધાવવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત મારફત સંપર્ક કરીને આરટીજીએસ મારફતે રકમ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના સ્વપ રેસીડેન્સી, પારસ સોસાયટી, ૫૦૧માં રહેતા વેપારી હર્ષ પરેશભાઇ વેકરીયાએ ગઇકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દિલ્હીના પંકજ ત્યાગી અને ટોની બજાજ તથા ફેડરલ બેંકના એકાઉન્ટના ધારક/વપરાશકર્તા અને તપાસમાં જે ખુલે તેની સામે બીએનએસ કલમ ૩૧૮(૪), ૬૧(ર) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીઓએ અગાઉથી કાવતરુ રચીને સોશ્યલ મીડીયાના ઇન્સ્ટાગ્રામ પર ત્રિદેવ રીસાયકલીંગ એલ્યુમિનિયમ સ્ક્રેપની જાહેરાત મુકી હતી જે જાહેરાત પરથી ફરીયાદી વેપારીએ તેમાં જણાવેલ મોબાઇલ નંબર પર પંકજ ત્યાગી દિલ્હીવાળાનો સંપર્ક કર્યો હતો. આ શખ્સ ત્રિદેવ રીસાયકલીંગ નામની પેઢીનો દલાલ હોવાનું જણાવ્યું હતુ અને તેના માલિક ટોની બજાજ સાથે એલ્યુમિનિયમ સ્ક્રેપ ખરીદવાની લગત વાત કરાવવામાં આવી હતી.
એ પછી આરોપીઓએ ત્રિદેવ રીસાયકલીંગ પેઢીનું ફેડરલ બેંક એકાઉન્ટ ખાતામાં ફરીયાદી પાસેથી સ્ક્રેપ વહેંચવાના બહાને કુલ ૨૪,૭૮,૫૧૪ આરટીજીએસ મારફતે રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ એલ્યુમિનિયમ સ્ક્રેપ કે રૂપિયા નહીં આપીને ફરિયાદી સાથે છેતરપીંડી-ઠગાઇ કરી હતી. આ ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમના પીઆઇ એન.બી ડાભી તથા સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે.