↵સ્કુલ ચલે હમ: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં ખીરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ: આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોનું કંકુ પગલા અને તિલક કરી સ્વાગત કરાયું
જામનગર તા.૨૪ જૂન, જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની ખીરી પ્રાથમીક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર નાનાં બાળકોનું કંકુ પગલાં અને તિલક કરી કલેક્ટરએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિલ્લા કલેક્ટરએ ધો.૧, આંગણવાડી અને બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર કુલ ૧૩ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. બાળકના જીવનમાં શિક્ષણનું મહત્વ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની દિશા પણ પ્રદાન કરે છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવા માટે સતત કાર્યરત છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો થકી શાળોમાં ૧૦૦% નામાંકન થઈ રહ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો નહિવત થયો છે. રાજ્ય સરકારનું લક્ષ્ય માત્ર શાળામાં પ્રવેશ અપાવવાનું નથી, પરંતુ દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી જીવનમાં સફળતા હાંસલ કરે તે સુનિશ્ચિત કરવાનું છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને સ્વાગત ગીતો રજુ કરવામાં આવ્યા હતા તથા મહાનુભાવોના હસ્તે શાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં અધિકારીઓ, આગેવાનો, આંગણવાડી કાર્યકરો,શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.