દેવભૂમિ દ્વારકા: શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬
ખંભાળિયા તાલુકાના કુવાડિયા ગામે ધારાસભ્ય મુળુભાઇ બેરાએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુવાડિયા ખાતે કુવાડિયા પ્રાથમિક શાળા, જંગલાધાર પ્રાથમિક શાળા અને રેલવે વાડી શાળા ત્રણ શાળાઓનો સામુહિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ધારાસભ્ય મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી ઉત્થાન માટેનું એકમાત્ર અને સૌથી સશક્ત માધ્યમ છે. તેમણે જળસંચય, પર્યાવરણ સંરક્ષણ તેમજ સ્વચ્છતા અંગે વાત કરીને ઉપસ્થિતોને વૃક્ષો વાવવા અને ઉછેરવા માટે પ્રેરિત કર્યા હતા. વધુમાં કન્યાઓને ભણાવવા, વિદ્યાર્થીઓને કારણ વગર રજા ન પડે તે જોવા વાલીઓને અપીલ કરી હતી અને કોઈ અધવચ્ચે અભ્યાસ ન છોડે તે જોવા ગામ અગ્રણીઓને ભલામણ કરી હતી.
ધારાસભ્ય તેમજ મહાનુભાવોનું ભૂલકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકા, ધોરણ-૧, ધોરણ-૬, અને ધોરણ-૧૧ ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિવિધ દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચીમનભાઇ નકુમ, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય દેવાયતભાઇ દેથરીયા, અગ્રણી કશ્યપભાઇ ડેર, સંજયભાઇ નકુમ, સગાભાઇ રાવલીયા સહિત સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.