BREAKING NEWS

જામનગરના ૨૨ વિસ્તારોમાં બીજા દીવસે ગુપચૂપ પાણી કાપ, રહેવાસીઓ લાલઘૂમ

  • October 07, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૨૨ વિસ્તારોમાં બીજા દીવસે ગુપચૂપ પાણી કાપ, રહેવાસીઓ લાલઘૂમ 


જામનગરના ૨૨ વિસ્તારોમાં બીજા દીવસે મનપાએ ગુપચૂપ પાણી કાપ ઝીંકતા રહેવાસીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. નવાગામ ઘેડ ઝોનમાં પાઇપલાઇનમાં મીટર બાદ સમ્પની સફાઇ કામગીરીને કારણે આજે પણ પાણી વિતરણ બંધ રહેતા ભારે દેકારો બોલી ગયો છે. મનપાનું તંત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોય બે દીવસથી પાણી વિતરણ બંધ રહેતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. 

જામનગર મહાનગરપાલીકાની વોટર વર્કસ શાખા દ્વારા નવાગામ ઘેડ ઝોન-ઇએસઆરની સમ્પ સફાઇ પાણીની પાઇપ લાઇન ઉપર સ્કાડા સીસ્ટમ હેઠળ ફલોમીટર ઇન્સ્ટોલેશન કરવાનું હોય આથી નવાગામ ઘેડ ઇએસઆરને સંલગ્ન વિસ્તારમાં મંગળવારે પાણી વિતરણ બંધ રાખાવામાં આવ્યું હતું. આથી નવાગામ ઝોન-એ હેઠળના ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિઘ્ધેશ્ર્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઇન્દીરા-એ, મધુવન સોસાયટી, ઇન્દીરા-બી, આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-૪ અને ૫, કબીરનગર, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, ૮૦ કર્વાટર, મધુરમ રેસીડન્સી સહીતના વિસ્તારોમાં પાણીકાપ રહ્યો હતો. આ વિસ્તારોમાં બુધવારે પ્રથમ અને ત્યારબાદ ગુ‚વારે ‚ટીન સંબધિત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે તેમ મનપાએ યાદીમાં સ્પષ્ટ જણાવ્યું હતું. પરંતુ બુધવારે નવાગામ ઘેડ ઝોન-એ હેઠળના ૨૨ વિસ્તારોમાં બીજા દીવસે પણ પાણી વિતરણ બંધ રહેતા રહેવાસીઓમાં દેકારા સાથે ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે પાણીના ટાંકા પરના કર્મચારીનો સંપર્ક કરતા તેમણે સમ્પની સફાઇ કરવાની હોવાથી આજે પણ ઉપરોકત ઝોનમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 

નવાઇની વાત એ છે કે સમ્પની સફાઇની જાણ મનપા દ્વારા ન કરી ગુપચુપ રીતે એકના બદલે બબ્બે દીવસ પાણીકાપ ઝીંકતા રહેવાસીઓને પારવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. એકબાજી મહાનગરપાલીકાનું તંત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત હોય તેની જાહેરાતો કરવામાં પૂરતો સમય છે પરંતુ પાણીકાપની જાણ કરવાનો સમય ન હોય તે સળગતો સવાલ ઉઠયો છે. નવાગામ ઘેડ ઝોન-૧માંં સતત બીજા દીવસે પાણીકાપ ઝીંકાતા હવે આવતીકાલે એટલે કે ગુ‚વારે ઉપરોકત વિસ્તારોમાં અને ત્યારબાદ શુક્રવારે સંબધિત ઝોનમાં પાણી વિતરણ કરાશે. આમ બે ઝોનમાં બે દીવસ પાણીકાપ રહેતા રહેવાસીઓને પાણી માટે રીતસર રઝળપાટ કરવી પડી હોવાની ફરિયાદો ઉઠી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application