જામનગરમાં ડોર-ટુ-ડોર કચરા કોન્ટ્રાક્ટ સામે ખુદ શાસક પક્ષ ભાજપ કોર્પોરેટરના ગંભીર આક્ષેપ
જામનગર મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સેનીટેશન સમિતિના વાઇસ ચેરમેન અને ભાજપ કોર્પોરેટર પ્રકાશ રાઠોડે બંને એજન્સીઓ સામે વિજીલન્સ તપાસ કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1થી 8 માટે ઓમ સ્વચ્છતા એજન્સી, જ્યારે વોર્ડ નંબર 9થી 16 માટે ગુજરાત કામદાર સહકારી લી. વતી પરમેનન્ટ સોલ્યુશન સર્વિસને ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કોર્પોરેટરનો આક્ષેપ છે કે અનેક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓ નિયમિત આવતી નથી તેમજ ખુલ્લા પોઇન્ટ પરથી પણ કચરો ઉપાડવામાં આવતો નથી. એટલું જ નહીં, કચરાની ગાડીઓમાં ઘરગથ્થુ કચરાના બદલે ભંગાર, કેરણ અને માટી ભરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
તા. 8 ઓગસ્ટના રોજ સવારે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે મુરલીધર વે બ્રિજ નજીક કોર્પોરેટર દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ઓમ સ્વચ્છતા એજન્સીની કચરાની ગાડીમાં કચરાના બદલે ભંગાર હોવાનું તેમજ ગાડીનો એક ભાગ ખાલી અને બીજા ભાગમાં ભંગાર તથા થોડોક કચરો હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગેના ફોટા અને વીડિયો પણ રજૂ કરવામાં આવ્યા છે.
કોર્પોરેટરે વધુમાં આક્ષેપ કર્યો છે કે કચરાની ગાડીઓનું વજન કરવાની પ્રક્રિયામાં પણ ગેરરીતિ થઈ રહી છે. એક એજન્સી દ્વારા મુરલીધર વે બ્રિજ પાસે વજન કરવામાં આવતું હોવાનો, જ્યારે બીજી એજન્સી દ્વારા ખાનગી કાંટા પર વજન કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન વોર્ડ નંબર 11માં આવેલા ગુલાબનગર નજીકના ડમ્પિંગ પોઇન્ટ પર કચરાનો મોટો ઢગલો ખડકાઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કચરો દૂર ન થતાં આસપાસના રહેવાસીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાનું કોર્પોરેટરે જણાવ્યું છે.
કચરાના ઢગલામાં રખડતી ગાયો પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો કચરો ખાતી હોવાના કારણે ગાયોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ગુલાબનગરનો ડમ્પિંગ પોઇન્ટ તાત્કાલિક ખાલી કરી શહેરની બહાર યોગ્ય સ્થળે કચરાનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે.
કોર્પોરેટરે આ સમગ્ર મામલે વિજીલન્સ મારફતે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા વિના બિલ મંજૂર કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ડોર-ટુ-ડોર કચરા કોન્ટ્રાક્ટમાં ટેન્ડરની શરતોનો ભંગ થયો હોય તો બંને એજન્સીઓના કોન્ટ્રાક્ટ રદ કરી તેમને બ્લેકલિસ્ટ કરવા અને પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.