BREAKING NEWS

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના તહેવારો દરમ્યાન પાણીની ગંભીર સમસ્યા

  • November 03, 2026 01:34 PM 

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના તહેવારો દરમ્યાન પાણીની ગંભીર સમસ્યા

લાખો યાત્રિકો માટે પાણીની વ્યવસ્થા કેવી રીતે થશે...?: નર્મદાના નીર સિવાય વિકલ્પ મર્યાદિત...!

ભીમગજા તળાવમાં માત્ર એક પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતાજનક સ્થિતિ: ઓખા અને દ્વારકા સહિત ૪૨ ગામડાંઓની પ્રજાની ચિંતા વધી

વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને ધાર્મિક-પર્યટન ક્ષેત્રે વિશેષ મહત્વ ધરાવતા દ્વારકા તાલુકામાં પીવાનાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશનનાં કારણે દ્વારકામાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડવાની શક્યતાઓ છે, ત્યારે બીજી તરફ સ્થાનિક પાણીના સ્ત્રોતોમાં નહિવત જથ્થો બચ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને ભીમગજા તળાવમાં માત્ર એક પખવાડિયા સુધી ચાલી શકે તેટલો જ પાણીનો જથ્થો હોવાની સ્થિતિએ ઓખા મંડળ સહિત સમગ્ર દ્વારકા તાલુકામાં જળસંકટના વાદળો ઘેરાયાં છે.

દ્વારકા તાલુકો માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વના ધાર્મિક નકશા પર આગવું સ્થાન ધરાવે છે. ભગવાન દ્વારકાધીશનું પવિત્ર જગતમંદિર, ભગવાન દ્વારકાધીશનો રાણીવાસ ગણાતું બેટ-દ્વારકા, બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક નાગેશ્વર મહાદેવ મંદિર, પૌરાણિક ગોપી તળાવ અને આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતો શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ સહિતનાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો અહીં આવેલાં છે. દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસીઓ દ્વારકા દર્શન માટે આવે તેવી શક્યતા છે.પરંતુ યાત્રાધામમાં આવનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધાની સામે સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો ઊભો થયો છે. દ્વારકા અને ઓખા એમ બે મોટી નગરપાલિકાઓ ઉપરાંત તાલુકાનાં આશરે ૪૨ ગામડાંઓની પ્રજા માટે પાણીની વ્યવસ્થા જાળવવી હવે મોટો પડકાર બની રહી છે.

આ વર્ષે ચોમાસું ખૂબ જ નબળું રહેતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. દ્વારકા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ પણ પાણીની સમસ્યાને વધુ વિકટ બનાવે છે. તાલુકામાં ભીમગજા તળાવ સિવાય કોઈ મોટો સ્થાનિક જળસ્ત્રોત ઉપલબ્ધ નથી. અહીં નદી કે કાયમી ઝરણાંનો પણ અભાવ છે. પરિણામે સ્થાનિક પાણીના સ્ત્રોતો પર્યાપ્ત જથ્થો પૂરો પાડી શકે તેવી સ્થિતિમાં નથી.

હાલમાં ઓખા અને દ્વારકા નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડતા ભીમગજા તળાવમાં પણ પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો છે. મળતી વિગતો મુજબ તળાવમાં માત્ર એક પખવાડિયા સુધી ચાલી શકે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો હોવાની સ્થિતિ ચિંતાજનક છે. જો આ સ્થિતિમાં પાણીની નવી આવક ન થાય તો આગામી દિવસોમાં બંને નગરપાલિકાઓની સાથે આસપાસનાં ગામડાંઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કેવી રીતે જળવાશે...? તે સૌથી મોટો સવાલ છે.

દ્વારકા અને ભીમગજા ઉપરાંત દ્વારકાનાં માયાસર તળાવમાંથી પાણી મળી રહે છે, પરંતુ વરસાદનાં અભાવે માયાસર તળાવનાં પણ તળિયા દેખાયા છે અને જો પાણી લેવાય તો ગંદુ અને કાદવવાળું દુર્ગંધયુક્ત પાણી મળે છે.
આ સંજોગોમાં નર્મદાના પાણીનો પુરવઠો જ દ્વારકા તાલુકા માટે મહત્ત્વનો આધાર બની શકે તેમ છે. સ્થાનિક જળસ્ત્રોતો ખાલી થઈ રહ્યા હોય અને વરસાદની સ્થિતિ પણ અનુકૂળ ન રહી હોય ત્યારે નર્મદાનાં નીરનો વૈકલ્પિક પુરવઠો સમયસર ઉપલબ્ધ કરાવવો અનિવાર્ય બની રહ્યો છે.

આઠ મહિના કેવી રીતે કાઢશે દ્વારકા તાલુકાની પ્રજા...?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવનારો શિયાળો અને ત્યારબાદનો ઉનાળો મળી આગામી લાંબા સમયગાળા દરમિયાન દ્વારકા તાલુકાની પ્રજાને પીવાનું પાણી કેવી રીતે પૂરું પાડવામાં આવશે...? ભીમગજા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય તો ઓખા અને દ્વારકા નગરપાલિકા વિસ્તારની પ્રજા માટે શું વૈકલ્પિક વ્યવસ્થા છે...? ૪૨ જેટલાં ગામડાંઓમાં પાણી પહોંચાડવા માટે શું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે...? દિવાળીના વેકેશનમાં લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો અને પ્રવાસીઓની પાણીની જ‚રિયાત કેવી રીતે સંતોષવામાં આવશે...?

દુષ્કાળની સ્થિતિ જાહેર થયા બાદ હવે માત્ર જાહેરાતોથી નહીં, પરંતુ જમીન પર અસરકારક આયોજનથી પ્રજાને રાહત આપવાની જરૂર છે. રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સંભવિત જળસંકટને ધ્યાનમાં રાખીને અત્યારથી જ નક્કર પગલાં ભરવાં જોઈએ.

નર્મદાના પાણીનો પુરવઠો, વૈકલ્પિક જળસ્ત્રોતો, ટેન્કર દ્વારા પાણી વિતરણ અને ગામડાંઓ સુધી નિયમિત પાણી પહોંચાડવાની વ્યવસ્થા સહિતના મુદ્દે તાત્કાલિક આયોજન કરવામાં આવે તેવી પ્રજાની માગ ઉઠી રહી છે.
​​​​​​​
યાત્રાધામ દ્વારકાની ઓળખ જળવાઈ રહે અને સ્થાનિક પ્રજાની સાથે અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ કટોકટી સર્જાય તેની રાહ જોયા વિના અત્યારથી જ પાણીના આયોજનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી સમયની માગ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application