ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાની સેવા પ્રવૃત્તિઓને મળશે નવી ઉડાન
જિલ્લા કલેક્ટર પરિમલભાઈ પંડ્યા દ્વારા રેડક્રોસને માટે ૧૩૫૮ ચોરસ મીટર જમીનની ફાળવણી
સમગ્ર ગુજરાતમાં રેડક્રોસ સોસાયટીને સરકારી જમીન ઉપલબ્ધ થાય એ માટે રેડક્રોસ ગુજરાત રાજય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે સરકાર સમક્ષ સતત રજુઆત કરી છે. તે મુજબ રાજ્યના જામનગર જિલ્લામાં માનવસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાને તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વિસ્તૃત અને સુદૃઢ બનાવવા માટે મહત્વપૂર્ણ ભેટ મળી છે. જામનગર જિલ્લા કલેક્ટર તથા રેડક્રોસ જામનગર જિલ્લા પ્રમુખ પરિમલભાઈ પંડ્યાના માર્ગદર્શન, પ્રયાસો અને સહયોગથી રેડક્રોસ જામનગર શાખાને બિલ્ડિંગના નિર્માણ માટે ૧૩૫૮ ચોરસ મીટર એટલે કે આશરે ૧૪,૬૧૨ ચોરસ ફૂટ જમીન ફાળવવામાં આવી છે. જામનગર જિલ્લા શાખા ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષાએ જમીન મેળવનાર પ્રથમ શાખા છે.
આ જમીન પર ભવિષ્યમાં રેડક્રોસની વિવિધ માનવસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે સુવિધાસભર અને વ્યવસ્થિત બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. નવી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થતાં રેડક્રોસની સેવાઓને વધુ વ્યાપક સ્તરે લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
રેડક્રોસ દ્વારા ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ, નિ:શુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ, હિમોગ્લોબિન તપાસ, થેલેસેમિયા તપાસ, બ્લડ ડોનેશન કેમ્પ, ડેન્ટલ ચેકઅપ, ફિઝિયોથેરાપી સેવા, પેથોલોજી લેબ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ, મેન્ટલ હેલ્થ અંગેના સેમિનાર, જન ઔષધી કેન્દ્ર સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
રેડક્રોસ જામનગર શાખાના પદાધિકારીઓના જણાવ્યા મુજબ, આ જમીન માત્ર બિલ્ડિંગના નિર્માણ માટે મળેલી જગ્યા નથી, પરંતુ આગામી સમયમાં વધુ સુવ્યવસ્થિત અને વ્યાપક માનવસેવા માટેનો મજબૂત આધાર છે. ૧૩૫૮ ચોરસ મીટર જમીન પર ઊભું થનાર ભવિષ્યનું બિલ્ડિંગ જરૂરિયાતમંદ વ્યક્તિને આરોગ્ય, સહાય અને હૂંફત્રણેયનો અનુભવ કરાવતું સેવાકેન્દ્ર બને તે દિશામાં આયોજન કરવામાં આવશે.
રેડક્રોસ જામનગરના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્સન પ્રો. દીપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ અને સેક્રેટરી ડો. વિહારીભાઈ છાટબાર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, કલેક્ટરના માર્ગદર્શન અને સહકારથી રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓને નવી દિશા અને ગતિ મળશે. નવી સુવિધાઓ ઊભી કરીને જામનગર શહેર તેમજ જિલ્લાના નાગરિકોને વધુ સારી આરોગ્યલક્ષી અને માનવતાવાદી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રેડક્રોસ દ્વારા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.