BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: “નારી વંદન ઉત્સવ” ૨૦૨૬: મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે સેમિનાર યોજાયો

  • August 06, 2026 05:51 PM 

દેવભૂમિ દ્વારકા: “નારી વંદન ઉત્સવ” ૨૦૨૬: મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે સેમિનાર યોજાયો​​​​​​​

જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે સેમિનાર યોજાયો

મહિલા કર્મયોગીઓને કાર્યસ્થળ પર સુરક્ષિત વાતાવરણ પૂરૂ પાડવું એ આપણી નૈતિક જવાબદારી છે – કલેકટર રાજેશ તન્ના

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી - દેવભૂમિ દ્વારકા દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી અંતર્ગત' મહિલા કર્મયોગી દિવસ' નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે સેમિનાર જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો.

આ તકે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા દરેક સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં મહિલાઓની સુરક્ષાની ખાત્રી કરવાની જવાબદારી દરેક કચેરી કે ખાતાનાં વડાની છે. આ માટે તેમણે કાયદાની જોગવાઈઓની યોગ્ય અમલવારી થાય તેની તકેદારી રાખવી જોઇએ, તેમજ પુરૂષ કર્મચારીઓ માટે પણ આ પ્રકારનાં સેમિનારનું આયોજન કરવા જણાવ્યું હતુ. મહિલાઓને કામ કરવા માટે સુરક્ષિત વાતરવરણ પુરુ પાડવું એ મહિલા સાથે કામ કરતા દરેક પુરૂષની નૈતિક જવાબદારી છે. કામ કરતી મહિલાઓને કામ અને પરીવાર બન્ને સાથે સંભાળવાના હોય છે. નાના બાળકોની જવાબદારી હોય છે જેનાં કારણે ઘણીવાર મહિલાઓ માનસિક તણાવ અનુભવતી હોય છે. 

પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ મહિલાઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર કટિબધ્ધ છે અને એટલા માટે જ દરેક જિલ્લામાં અલાયદા મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવેલી છે. ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમા શી ટીમની રચના પણ કરવામાં આવેલ છે તેમજ મહિલા અને બાળ વિકાસ અને ગૃહ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે ચાલતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન અને ૧૧૨ જન રક્ષક પણ લોકોની સહાયતા માટે ૨૪x૭ ઉપલબ્ધ છે તેમ જણાવ્યું હતું. 

કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશકુમાર.ડી.ભાંભી દ્વારા મહિલા કર્મયોગી દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે જ્યારે મહિલાઓ પણ પુરુષો સાથે કદમ થી કદમ મિલાવીની પરીવાર અને દેશનાં વિકાસમાં સહભાગી બની રહી છે ત્યારે તેમને સુરક્ષિત વાતવરણ પુરુ પાડવું ખૂબ જરૂરી છે. એટલા માટે કામનાં સ્થળે તેમના શું અધિકારો છે? અને નોકરીદાતા કે કચેરીનાં વડાની શું જવાબદારી છે? અને તેમને કામનાં સ્થળે અસુરક્ષા અનુભવાય તો તેઓ કોનો સંપર્ક કરી શકે છે, તેની જાણકારી આપવા માટે  ‘મહિલા કર્મયોગી દિવસ'  નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળમાંથી પધારેલા ગોપીબેન મુંગરા દ્વારા ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩’ ના ઇતિહાસથી લઈ હાલની કાયદાકીય અને અમલની સ્થિતિ વિશેની વિવિધ જોગવાઇઓથી અવગત કરી મહિલાઓનાં અધિકારોનાં સંરક્ષણ અંગે જાણકારી આપી હતી તેમજ સરળ ભાષામાં કામકાજના સ્થળે જાતીય સતામણી, દહેજ સહિતના કાયદાઓની જાણકારી આપવામાં આવી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાવિસાબેન કડછા દ્વારા મહિલાઓ સામે થતા વિવિધ પ્રકારનાં સાયબર ગુનાઓ અંગે માહીતી આપી હતી અને કોઈ મહિલા સાયબર ક્રાઇમનો ભોગ બને તો શું પગલા લેવા તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કાર્યક્રમમાં કાયદા આધારિત બનેલ “પ્રતિકાર” નામની શોર્ટ ફિલ્મ દ્વારા કર્મચારીઓની જાતિય શોષણ સામે અવાજ ઉઠાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નાનાં બાળકોની ચિંતા વિના નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે તે માટે કલેક્ટર દ્વારા જિલ્લા કચેરી ખાતે કામ કરતી મહિલાઓનાં બાળકોની સાર-સંભાળ માટે “કલરવ” (ઘોડીયાઘર)નો શુભારંભ કરવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.મધુબેન ભટ્ટ, જિલ્લા આંક્ડા અધિકારી જાગૃતિબેન પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  વૈશાલીબેન જોષી, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પી.પી.જાદવ તથા ખંભાળીયા ખાતેની વિવિધ સરકારી કચેરીનાં મહિલા કર્મયોગીઓ જોડાયા હતા. કાર્યક્ર્મનાં અંતે પ્લાસ્ટીક મુક્તિનો સંદેશ આપવાનાં હેતુથી કાર્યક્રમમાં હાજર તમામ લોકોને મહનુભાવોને હસ્તે સ્ટીલની બોટલ આપવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application