ઓખા બંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડના ઈંઈૠજ મીરા બહેન નામના જહાજને સશસ્ત્ર દળોની સંપૂર્ણ સન્માનવિધિ સાથે પરંપરાગત સૂર્યાસ્ત સમારોહમાં સેવામુક્ત કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નં. ૧૫, ઓખાના કમાન્ડર ડીઆઈજી મનજીતસિંઘ ગિલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં નાગરિક તથા સૈન્ય અધિકારીઓ, જહાજના કમાન્ડિંગ ઓફિસર અને ક્રૂ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહની શરૂઆત ગાર્ડ ઓફ ઓનરથી થઈ હતી. સૂર્યાસ્ત સમયે જહાજ પરથી અંતિમ વખત કોસ્ટ ગાર્ડ એન્સાઇન તથા ડીકમિશનિંગ પેનન્ટ ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ કમાન્ડન્ટ થિંકલ થારકને જહાજનો અંતિમ ડીકમિશનિંગ રિપોર્ટ ડીઆઈજી મનજીતસિંહ ગિલને સુપરત કરતાં જહાજની સક્રિય સેવાનો ઔપચારિક અંત આવ્યો હતો.
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત ઈંઈૠજ મીરા બહેનને ૨૫ જુલાઈ, ૨૦૦૬ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું. વોટર જેટ પ્રોપલ્શનથી સજ્જ આ એક્સ્ટ્રા ફાસ્ટ પેટ્રોલ વેસલ તરીકે જહાજે બે દાયકાથી વધુ સમય દરમિયાન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય દરિયાઈ હિતોની રક્ષા માટે મહત્વપૂર્ણ સેવા આપી હતી.
મીરા બહેનનું નામ મહાત્મા ગાંધીજીની પરમ શિષ્યા મીરાબહેનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સમારોહને સંબોધતા ડીઆઈજી મનજીત સિંહ ગિલે જહાજની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા બદલ તેના કમાન્ડિંગ ઓફિસર સહિત સમગ્ર ક્રૂને અભિનંદન પાઠવ્યા હતા.