શ્રાવણ માસના પવિત્ર પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો અલૌકિક "હરિયાળી દર્શન શૃંગાર" કરવામાં આવ્યો હતો.
આ વિશેષ અવસરે શ્રી સોમનાથના ગર્ભગૃહમાં પ્રકૃતિના ખોળા જેવું દિવ્ય અને આત્મીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જાણે ગિરનારના જંગલની આખી હરિત પ્રકૃતિ અને જીવસૃષ્ટિ સોમનાથ મહાદેવના ચરણોમાં ઉતરી આવી હોય તેવું અદભુત દ્રશ્ય સર્જાયું હતું. વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલોની સુગંધ અને પ્રાણી-પક્ષીઓની ભાવસભર પ્રતિકૃતિઓ સાથે એવો શૃંગાર કરાયો હતો કે જાણે માતા પ્રકૃતિ પોતે જ શિવજીના ચરણોમાં અર્પિત થવા આતુર હોય.
આ વિશેષ શૃંગારનો હેતુ માત્ર સૌંદર્ય નિખારવાનો નથી, પરંતુ ભક્તોમાં પ્રકૃતિ પ્રત્યે પૂજ્યભાવ, કરુણા અને તેના રક્ષણની ભાવના જગાવવાનો પવિત્ર સંદેશ આપવાનો છે.
આપણી સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. વૃક્ષોમાં જીવન છે, નદીઓમાં માતૃત્વ છે અને દરેક જીવમાં પરમાત્માનો અંશ રહેલો છે.
શ્રી સોમનાથ મહાદેવ પોતે કૈલાસપતિ તરીકે ઓળખાય છે. તેમના ચરણોમાં સજેલો આ 'પ્રકૃતિ દર્શન શૃંગાર', આજના પર્યાવરણ સંકટના સમયમાં આપણને પ્રેરણા આપે છે કે આપણે પ્રકૃતિ સાથે જોડાવું જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. જો શિવજી પ્રત્યે સાચો પ્રેમ હોય, તો તેમની બનાવેલી સૃષ્ટિને પણ પ્રેમ કરતા શીખવું પડશે. પ્રકૃતિ એ ભગવાનની રચના છે અને 'પ્રકૃતિ છે તો જ જીવન છે' આવા શુભ સંદેશ સાથે શ્રી સોમનાથ મહાદેવનો આ અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગારમાં આશરે ૧૧૧ કિલો જેટલી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો; જેમાં ઉમરો, ધરો, ડાભ, બીલીપત્ર, આસોપાલવ, વડ, પીપળો, આંબો, બોરસલી અને ઝીંઝવો સહિતની વિવિધ ઔષધિઓ અને વનસ્પતિઓનો સમાવેશ થાય છે.