સમગ્ર હાલાર શ્રાવણ માસમાં પણ કોરો ધાકોડ: ધુપછાંવની સંતાકૂકડી
આકાશ સામુ મીટ માંડી બેઠેલા ખેડુતો: તાપમાન ૩૨ ડીગ્રી
સમગ્ર રાજયમાં કચ્છ અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણ માસ અડધો પુરો થઇ ગયો હોવા છતાં વરસાદી વાતાવરણમાં પણ વરસાદનાં કોઇ વાવડ દેખાતા નથી. જેના લીધે ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા ૧૫ દિવસથી વાદળો અને સુર્યની સંતાકૂકડીના વાતાવરણ વચ્ચે બિમારીનો માહોલ સર્જાયો છે. તાવ, શરદી, ઉધરસના કેસોનું પ્રમાણ વઘ્યું છે.
કંટ્રોલ મના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૨.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૬, ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી.ની આસપાસ રહેવા પામી છે. રવિવાર કરતા સોમવારના તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો હતો પરંતુ પવનની ગતિમાં નજીવો ફેરફાર નોંધાયો છે. ભેજનું પ્રમાણ યથાવત રહેવા પામ્યું છે.
હાલારમાં વરસાદ નહિ આવતા ખેડુતોની હાલત દયનીય બની છે, એક તરફ વાવણી કરેલ પાકની ચિંતા અને બીજી તરફ ઢોર માટે ઘાસચારાની સમસ્યા પણ સર્જાઇ છે. છેલ્લા ૧૫ દિવસથી સુર્યપ્રકાશના અભાવને કારણે બીમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તાવ, શરદી, ઝાળા, ઉલ્ટીના કેસોમાં શહેર તથા જિલ્લામાં પ્રમાણ વઘ્યું છે. જિલ્લાનો ખેડુત વરસાદની આતુરતાપુર્વક આકાશની સામુ મીટ માંડીને બેઠો છે. હવામાન ખાતા દ્વારા આ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.