જામનગર: ધ્રોલમાં વીજ સમસ્યાઓ અને સ્માર્ટ મીટરની કામગીરી સામે નાગરિકોનો રોષ
પીજીવીસીએલ અધિકારીને લેખિત રજૂઆત
ધ્રોલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર થતા વોલ્ટેજના વધ-ઘટ અને સ્માર્ટ મીટર ફીટીંગ દરમિયાન વધી રહેલી ગેરવ્યવસ્થાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે ધ્રોલ શહેરના વોર્ડ નંબર ૬ ની વિવિધ સોસાયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ગુજરાત વીજ વિતરણ કંપની લિમિટેડના સ્થાનિક અધિકારીને એક આવેદનપત્ર પાઠવીને કડક રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયા મુજબ, ધ્રોલના અનેક વિસ્તારોમાં વારંવાર વોલ્ટેજ વધ-ઘટ થવાથી લોકોના મોંઘા ઘરગથ્થુ વીજ ઉપકરણો બળી જવાના અને નુકસાન થવાના કિસ્સા વધી રહ્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં જૂના અને ઓવરલોડેડ ટ્રાન્સફોર્મર આવેલા છે, ત્યાં તાત્કાલિક ધોરણે નવી ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.
આ સાથે સ્માર્ટ મીટર ફિટિંગની કામગીરી સામે પણ ગંભીર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર ફીટીંગ ફરજિયાત ન હોવા છતાં, વીજ કંપની અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ ગ્રાહકોની પૂર્વ પરવાનગી કે જાણ વગર ઘરે તેમજ ઓફિસે પહોંચી જઈને બળજબરીથી જૂના કનેક્શન કાપી મીટર લગાવી રહ્યા છે.
તાજેતરમાં શિવમ પાર્ક સોસાયટી ખાતે સ્માર્ટ મીટર ફીટીંગ વખતે કોન્ટ્રાક્ટરના કર્મચારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવી અપ્રિય ઘટનાઓ રોકવા માટે દરેક કર્મચારી પાસે ઓળખપત્ર હોવું જરૂરી છે અને ગ્રાહકની સંમતિ મેળવીને જ કામગીરી કરવાની માંગ કરાઈ છે.
ગ્રાહકોમાં ફેલાયેલી મૂંઝવણ દૂર કરવા અને કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે અસ્તવ્યસ્ત ફિટિંગ બંધ કરી, સમગ્ર ધ્રોલ શહેરમાં વોર્ડ વાઈઝ ક્રમશ: અને તબક્કાવાર રીતે જ સ્માર્ટ મીટર મૂકવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. વોર્ડ નંબર ૬ ના રહીશોએ એકસૂરે માંગ કરી છે કે વીજ કંપનીના કર્મચારીઓ ગ્રાહકો સાથે સન્માનપૂર્વક વર્તે અને વીજ પુરવઠાને લગતી તમામ સમસ્યાઓનો તાત્કાલિક અને યોગ્ય નિકાલ લાવવામાં આવે.