BREAKING NEWS

જામનગર ડીઆરઆઇએ રાજકોટમાંથી પકડયું રૂ.૧.૭૬ કરોડનું દાણચોરીનું સોનું 

  • June 29, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ડીઆરઆઇએ રાજકોટમાંથી પકડયું રૂ.૧.૭૬ કરોડનું દાણચોરીનું સોનું 

ચકચાર: હીરાસર એરપોર્ટ પર ડીઆરઆઇની ટીમ ત્રાટકી, અનઅધિકૃત રીતે છૂપાવીને લાવવામાં આવતા સોનાના બિસ્કીટ પકડી ધોરણસરની કાર્યવાહી

સોનું લઇ આવનાર શખ્સની અટકાયત કરી જામનગર લાવી પૂછપૂરછ: કોઇ ચોકકસ ગેંગની સંડોવણી છે કે કેમ તે દીશામાં તપાસ: ચોંકાવનારી હકીકતો ખૂલવાની શકયતા 

જામનગર ડીઆરઆઇએ રાજકોટ હીરાસર એરપોર્ટ પર દરોડો પાડી રૂ.૧.૭૬ કરોડનું દાણચોરીનું સોનું પકડી પાડતા ભારે ચકચાર જાગી છે. ડીઆરઆઇને ટીમે વિદેશથી અનઅધિકૃત રીતે સામાનમાં છૂપાવીને લાવવામાં આવતા સોનાના બિસ્કીટ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સોનું લઇ આવનાર શખ્સની અટકાયત કરી જામનગર લાવી પૂછપૂરછ હાથ ધરી છે. આટલું જ નહીં સોનાની દાણચોરીમાં કોઇ ચોકકસ ગેંગની સંડોવણી છે કે કેમ તે દીશામાં તપાસ હાથ ધરી છે. ડીઆરઆઇની તપાસમાં ચોંકાવનારી હકીકતો ખૂલવાની શકયતા છે.

રાજકોટમાં થોડા સમય પૂર્વે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થયું છે. આ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. તાજેતરમાં કેન્દ્વ સરકાર દ્વારા વિદેશી હુંડીયામણ બચાવવાના ભાગરૂપે સોનાની આયાત ઘટાડવા માટે કસ્ટમ ડયુટીમાં વધારો કરી ૧૮ ટકા કરવામાં આવી છે. આથી સોનાની દાણચોરી વધવાની ભીતિ જાણકારોએ વ્યકત કરી હતી. બીજી બાજુ સોનાની દાણચોરીના દૂષણને ડામવા માટે ડાયરેકટોરેટ રેવન્યુ ઇન્ટેલીજન્સ એટલે કે ડીઆરઆઇ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વોચ અને પેટ્રોલીંગ વધારવામાં આવ્યું હતું. આટલું જ નહીં ડીઆરઆઇ દ્વારા નેશનલવાઇડ ઓપરેશન બુલીયન બસ્ટનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે મુંબઇ, બેંગ્લુરૂ, વિશાખાપટ્ટનમ,હૈદ્વાબાદ અને રાજકોટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર ડીઆરઆઇની ટીમને મળેલી બાતમીના આધારે ગત તા.૨૩ ના રાજકોટના હીરાસર એરપોર્ટ પર દરોડો પાડયો હતો.

આ દરોડા દરમ્યાન સાંજે ૩.૪૫ કલાકે બેંગ્લુ‚થી આવેલી ઇન્ડીગોની ફલાઇટ નં.૬૪-૬૫૦૭માં આવેલા એક મુસાફર પાસે અનઅધિકૃત સોનાનો જથ્થો હોવાના ઇનપુટ મળ્યા હતાં. આથી જામનગર ડીઆરઆઇની ટીમે આ મુસાફર જેવો એરપોર્ટ પર એરાઇવલ લોજમાં આવતા તેની અટકાયત કરી તલાસી લીધી હતી. આ દરમ્યાન મુસાફરના સામાનમાંથી ખાસ ગ્રે કલરના પાઉચમાં સંતાડેલા રૂ.૧.૭૬ કરોડના સોનાના બિસ્કીટ મળી આવ્યા હતાં. આ અંગે ડીઆરઆઇની ટીમે પૂછપરછ હાથ ધરતા આ સોનાના જથ્થા અંગે મુસાફર કોઇ યોગ્ય ખુલાસો કરી શક્યો ન હતો. આથી ડીઆરઆઇની ટીમે સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં મુસાફરને વધુ પૂછપરછ માટે જામનગર લાવવામાં આવ્યો છે. જયાં ડીઆરઆઇ દ્વારા આ પૂર્વ મુસાફર રાજકોટ એરપોર્ટ પર સોનાનો કોઇ જથ્થો લઇને આવ્યો હતો કે કેમ? સોનાની દાણચોરીમાં કોઇ ચોકકસ ગેંગ તથા અન્ય કોઇ શખ્સોલની સંડોવણી તો નથી ને તે દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ અને દેશના અન્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી બાદ રાજકોટના ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પરથી પણ પ્રથમવાર સોનાનો અનઅધિકૃત જથ્થો ઝડપાતા ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. આટલું જ નહીં ડીઆરઆઇના ઓ૫રેશન બુલીયન બસ્ટ અંતર્ગત સોનાની દાણચોરી પાછળ ચોકકસ સીન્ડીકેટ હોવાનું પણ ખૂલ્યું છે. ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી સોનાના જથ્થા સાથે પકડાયેલો શખ્સ આ સીન્ડીકેટનો સભ્ય છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. કારણ કે, મુંબઇથી ૧૦ શખ્સોની ધરપકડ કરવામાં આવી  છે.તદઉપરાંત ડીઆરઆઇએ આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં જુદા-જુદા એરપોર્ટ પરથી રૂ.૨૩ કરોડનું સોનું અને ચાંદી પકડી પાડયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application