BREAKING NEWS

જામનગર: બેડી બંદર રોડ પર ૯૦ હજારના ચેઇનની ચિલઝડપ

  • September 23, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: બેડી બંદર રોડ પર ૯૦ હજારના ચેઇનની ચિલઝડપ

મહિલાના ગળામાંથી ચેઇન ઝુંટવી એકટીવા પર આવેલા બે શખ્સો ફરાર : સીસી ફુટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી 

જામનગરના બેડી બંદર રોડ કેદાર પાર્ક વિસ્તારમાં ચાલીને જઇ રહેલી મહિલાના ગળામાંથી આશરે ૯૦ હજારની કિંમતના સોનાના ચેઇનની ચિલઝડપ કરીને બાઇકમાં આવેલા બે શખ્સો નાશી છુટયા હતા, આ અંગે ગઇકાલે ફરીયાદ કરવામાં આવતા સીટી-સી ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આજુબાના વિસ્તારના સીસી ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે. થોડો સમય ભુગર્ભમાં રહેલી બાઇક સમડીએ ફરી દેખા દીધી હોય તેમ લાગી રહયુ છે.

મુળ લાલપુર તાલુકાના વડપાંચસરા ગામના વતની અને હાલ બેડી બંદર રોડ કેદાર પાર્ક શેરી નં. ૨, પ્લોટ નં. ૧૮/૩ ખાતે રહેતા તારાબા અણદુભા જાડેજા (ઉ.વ.૪૯) નામના મહિલા ગત તા. ૧૭-૮-૨૬ના સમય દરમ્યાન ચાલીને ઘરે જતા હતા અને શેરીના ખુણે પહોચતા બાઇકમાં આવેલા બે શખ્સોએ ફરીયાદીના ગળામાંથી સોનાનો ચેઇન પોણા બે તોલા જેની અંદાજે કિ. ૯૦ હજારનો ઝુંટવીને નાશી ગયા હતા.

દરમ્યાન તારાબા દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં એક કાળા ટીશર્ટવાળો ઇસમ તથા સફેદ કલરની એકટીવાનો ચાલક આ બંનેની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ કંડોરીયા તપાસ ચલાવી રહયા છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસી ફુટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પુર્વે ચિલઝડપનો એક બનાવ સામે આવ્યો હતો અને વધુ એક ફરીયાદ પોલીસ મથકે પહોચી છે આથી બાઇક સમડી ફરી સક્રીય બની હોય એવા એંધાણ વર્તાઇ રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application