યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં દિવાળી પર્વ નિમિત્તે પરંપરાગત ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ શણગાર સાથે ભક્તોને દર્શનનો લાભ મળશે. દિવાળી પર્વના દિવસોમાં મંદિર દ્વારા વિવિધ ધાર્મિક વિધિઓ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૭ નવેમ્બરના રોજ ધનતેરસથી ઉત્સવનો પ્રારંભ થશે. ૮ નવેમ્બરના રૂપ ચતુર્દશી અને દિવાળીના દિવસે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે યોજાશે. ત્યારબાદ સવારે ૭:૦૦ થી ૮ સુધી સ્નાન દર્શન બંધ રહેશે. અન્ય દર્શન નિયત સમય મુજબ ચાલુ રહેશે. બપોરે ૧:૦૦ કલાકે અનૌસર બંધ રહેશે, જ્યારે સાંજે ૫:૦૦ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮:૧૫ કલાકે હાટડી દર્શન યોજાશે. રાત્રે ૯:૪૫ કલાકે શયન દર્શન સાથે મંદિરના દર્શન બંધ થશે.
૯ નવેમ્બરના રોજ અન્નકૂટ મહોત્સવ અને ગોવર્ધન પૂજાની ઉજવણી કરાશે. આ દિવસે સવારે ૬:૦૦ કલાકે મંગળા આરતી, ૧૧:૩૦ કલાકે ગોવર્ધન પૂજન તથા બપોરે ૧ વાગ્યે અનોસર દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે ૫:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનું આયોજન રહેશે. તેમજ ૯.૪પ વાગ્યે શયનના દર્શન થશે. તા. ૧૦ નવેમ્બરના રોજ નૂતન વર્ષની શરૂઆત નિમિત્તે સવારે ૭:૦૦ કલાકે મંગળા આરતી યોજાશે અને ત્યારબાદ દર્શનનો ક્રમ નિયમિત રહેશે. જ્યારે ૧૧ નવેમ્બરના રોજ ભાઈબીજના પવિત્ર દિવસે પણ ભક્તો નિયમિત દર્શનનો લાભ લઈ શકશે. દિવાળી પર્વ દરમિયાન દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંદિરની વ્યવસ્થાઓ કરવામાં આવશે. ભક્તોએ દર્શન માટે આવતા પહેલાં જાહેર કરાયેલા સમયપત્રકની નોંધ લેવા મંદિર તરફથી જણાવાયું છે.