BREAKING NEWS

વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે જામનગર જિલ્લામાં ૧૪ જૂન સુધી ‘વિશેષ સ્વચ્છતા ઝુંબેશ’ નો પ્રારંભ

  • June 09, 2026 04:55 PM 

વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે જામનગર જિલ્લામાં ૧૪ જૂન સુધી ‘વિશેષ સ્વચ્છતા ઝુંબેશ’ નો પ્રારંભ

તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન

‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ દેશ’ ના સંકલ્પને સાકાર કરવા વહીવટી તંત્ર સજ્જ

જામનગર તા.૦૯, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના "સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ" ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. ૦૮/૦૬/૨૦૨૬ થી તા. ૧૪/૦૬/૨૦૨૬ દરમિયાન એક સપ્તાહ માટે "વિશેષ સ્વચ્છતા ઝુંબેશ" હાથ ધરવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિદ્ધ થયા છે, ત્યારે નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને "આદર્શ ગ્રામ પંચાયત"ની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોક-ભાગીદારી થકી આ સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે.

આ વિશેષ સપ્તાહ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં તારીખ વાઇઝ વૈવિધ્યસભર જાગૃતિ અને સફાઈલક્ષી કાર્યક્રમો યોજાશે. જેમાં અભિયાનના પ્રથમ દિવસે તા. ૦૮ જૂનના રોજ વિવિધ શહેરો અને ગામોમાં સાયકલ રેલી, બાઇક રેલી તેમજ પદયાત્રા દ્વારા વ્યાપક જનજાગૃતિ કેળવીને આ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. ૦૯ જૂનના રોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય/શહેરી દિવસ’ અંતર્ગત સઘન પ્લાસ્ટિક સફાઈ અભિયાન હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ અંગે લોકજાગૃતિ કેળવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને તા. ૧૦ જૂનના રોજ જિલ્લાના તમામ મહત્વના જળાશયો, તળાવો અને ખુલ્લા પ્લોટોની સફાઈ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે તા. ૧૧ જૂનના રોજ જન આરોગ્ય સુખાકારીના ભાગરૂપે ગંદા પાણીના નિકાલની જગ્યાઓ અને ડ્રેનેજ/ગટર વ્યવસ્થાની સફાઈ કરવામાં આવશે. આ જ રીતે તા. ૧૨ જૂનના રોજ સ્થાનિક રહીશોના સહયોગથી તમામ શેરીઓ, મહોલ્લાઓ અને મુખ્ય માર્ગોની સફાઈ કરાશે તથા તા. ૧૩ જૂનના રોજ જિલ્લાની તમામ સરકારી કે જાહેર સંસ્થાઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોએ શ્રમદાન દ્વારા વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ વિશેષ ઝુંબેશના અંતિમ દિવસે એટલે કે તા. ૧૪ જૂનના રોજ નાગરિકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવશે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરા વ્યવસ્થાપન) ના નિયમો અંગે વિગતવાર જાણકારી આપી જાગૃત કરવામાં આવશે.

રાજ્યના નાગરિકો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ કર્મયોગીઓ પરસ્પર સક્રિય સહયોગ આપી આ મહા-અભિયાનને સંપૂર્ણ સફળ બનાવે તે માટે જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં આ તમામ કાર્યક્રમોનું સુચારુ સંચાલન અને દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ ગૌરવશાળી સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાવવા અને પોતાના ગામ કે શહેરને સ્વચ્છ-સુઘડ રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application