જામનગરમાં દિવ્યાંગ બાળકોના સન્માનમાં વિશેષ નવરાત્રિ મહોત્સવનું આયોજન: મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘૂમશે
કોઈપણ દિવ્યાંગ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે, પાસ સ્થળ પર પણ મળી જશે
જામનગરમાં છેલ્લા અનેક વર્ષોથી દિવ્યાંગજનોની સેવા માટે સમર્પિત 'ૐ ટ્રેનિંગ સેન્ટર' દ્વારા મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને ઉત્સાહવર્ધન માટે એક વિશેષ અને પ્રેરણાદાયી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાલ અનેક મનોદિવ્યાંગ બાળકો જીવનોપયોગી શિક્ષણ તેમજ વિવિધ વિશિષ્ટ કળાઓની તાલીમ મેળવી રહ્યા છે. સમાજ જે બાળકોને ઘણીવાર તેમની મર્યાદાઓથી મૂલવે છે, એ જ બાળકો પોતાની અદભુત પ્રતિભા અને ઊર્જા સાથે ઢોલના તાલે માતાજીના ગરબે રમીને સૌનાં દિલ જીતી લેશે.
આ કાર્યક્રમ માત્ર ગરબાનો ઉત્સવ ન બની રહેતાં સમાજમાં પ્રેમ, સ્વીકાર અને સમાનતાનો સંદેશો આપતો માનવતાનો સાચો મહોત્સવ બની રહેશે.
આ વિશેષ અવસરે બાળકોના આત્મવિશ્વાસને બિરદાવવા માટે સાગર રાવલ તેમજ વર્ષાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહેશે. સંસ્થાના ટ્રસ્ટી ડિમ્પલબેન મહેતા, સીમાબેન સોમાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા જામનગરના નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહી બાળકોના ચહેરા પર સ્મિત લાવવા હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જામનગરના તમામ દિવ્યાંગજનો પણ ભાગ લઈ શકશે અને તેમના માટે પ્રવેશ પાસ સ્થળ પરથી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. આ ગરબા મહોત્સવ આગામી તારીખ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૭:૦૦ કલાકે, પ્રણામી સ્કૂલ ગ્રાઉન્ડ, હીરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેંકની સામે, જામનગર ખાતે યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application