BREAKING NEWS

જામનગરમાં માર્ગોના ખોદકામ બાદ ચરેડાના કામ માટે રૂ.૧.૩૦ કરોડ ખર્ચાશે

  • August 08, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં માર્ગોના ખોદકામ બાદ ચરેડાના કામ માટે રૂ.૧.૩૦ કરોડ ખર્ચાશે

મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં જુદા-જુદા કામ માટે રૂ.૧૧.૯૩ લાખના ખર્ચને મંજૂરી, ૧૫ ઓગષ્ટના ટાઉનહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

વોર્ડ નં.૧,૨,૮,૧૬ માં સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે રૂ.૮ કરોડ મંંજૂર:ચૂંટણીમાં વિશિષ્ટ કામગીરી બદલ ૪૦ કર્મીઓને પ્રોત્સાહીત કરાશે

જામનગર મહાનગરપાલિકાની  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા-જુદા કામ માટે કુલ રૂ.૧૧.૯૩ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. શહેરમાં માર્ગોના ખોદકામ બાદ ખાડા બુરવા ચરેડાના કામ માટે રૂ.૧.૩૦ કરોડનો ખર્ચ કરાશે. ૧૫ ઓગસ્ટ નિમિત્તે ટાઉનહોલ માં સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનનો નિર્ણય કરાયો છે. વોર્ડ નં.૧,૨,૮,૧૬ માં સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે રૂ.૮ કરોડ મંંજૂર કરાયા છે. ચૂંટણીમાં વિશિષ્ટ કામગીરી બદલ ૪૦ કર્મીઓને પ્રોત્સાહીત કરાશે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ ગઇકાલે ચેરમેન  ધીરેનકુમાર મોનાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ ૧૨ સભ્યો  ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા સામાન્ય ચુંટણી-૨૦૨૬ વિશિષ્ટ કામગીરી બજાવેલ કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવા અંગે કમિશશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ૪૦ કર્મચારીઓને પ્રોત્સાહનની રકમ રૂ. ૪ લાખ મંજુર કરવામાં આવી હતી.મનપાની કોમ્પ્યુટર શાખા ખાતે કોમ્પ્યુટર પ્રોગ્રામરની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત તેમજ  સોલીડ વેસ્ટ મેને. શાખા ખાતે લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારી ઓને કોન્ટ્રાકટ બેઈઝ થી નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન જુદી-જુદી જગ્યાએ ડી-વોટરીંગ કરવાના કામ અંગે રૂ.૫ લાખ , પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અને ખર્ચ મંજુરી તથા સોસાયટીના સુધારણા અંગે રૂ.૧૩.૪૪ લાખ , વોટર વર્કસ શાખા માટે ઉડ-૧ ખાતે પોલ્ડર ટાઈપ સબમર્શીબલ પમ્પ સેટ, એટીએસ પેનલ તેમજ તેને આનુસાંગીક માલ-સામાન સપ્લાય કરવાના કામ અંગે  રૂા. ૩૯.૭૪ લાખ, સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. ૨૦૦ લાખ ,  સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ.૧ કરોડ , સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ ,  સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે  રૂા. ૨૫૦ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. 

જયારે શહેરના  સીવીલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૦૦ ટકાના ધોરણે સીવીલ વર્કસ (બિલ્ડીંગ વર્કસ, કમ્પાઉન્ડ વોલ, કોમ્યુનીટી હોલ, ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ, ફેન્સીંગ, સાઈન બોર્ડ વિ. પ્રકારના) ના કામ રૂા. ૧૬૦.૬૭ લાખ,  સને ૨૦૨૬-૨૭ દરમ્યાન સ્વભંડોળ અન્વયે સીવીલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઈપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે  રૂા. ૧૩૦ લાખ અને  વોર્ડ નં. ૧૫, રણજીતસાગર રોડ રાજપુત ક્ધયા છાત્રાલયથી જ્ઞાન ગંગા સ્કુલથી ખોડીયાર પાર્ક પાસેના કોમન પ્લોટ સુધી સ્ટ્રોમ વોટર કેનાલ અને સી.સી. રોડના કામ અંગે રૂા. ૩૯.૭૨ લાખ ના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો. ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં ૧૫ મી ઓગષ્ટ નિમિતે ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું મંજુર કરવામાં આવ્યું હતું.આમ  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.૧૧ કરોડ ૯૩ લાખ ના વિવિધ ખર્ચની દરખાસ્તો મંજુર કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application