ભાણવડ સરકારી કન્યા શાળા ખાતે મિશન લાઇફ અંતર્ગત સ્ટીલ બોટલ વિતરણ કાર્યક્રમ યોજાયો
પ્લાસ્ટિકનો ઉપયોગ નિવારી પર્યાવરણ અનુકૂળ ટેવો માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
સંસદ સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા અને જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના અને મહાનુભાવોએ બાળકોને સ્ટીલ બોટલ વિતરણ કરી
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સરકારી શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને મિશન લાઇફ અંતર્ગત સ્ટીલ બોટલ વિતરણ કાર્યક્રમ પી.એમ. શ્રી ભાણવડ કન્યા પ્રાયમરી સ્કૂલ અને ગવર્મેન્ટ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે યોજાયો હતો.
આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પર્યાવરણ જાગૃતિ માટે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અગત્યની રહેશે. ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સમસ્યાઓનો સામનો કરવા માટે મિશન લાઇવ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે તે સરાહનીય છે.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી મુળુભાઇ બેરાએ મિશન લાઇવ અંગે વાત કરીને પર્યાવરણ જતન માટે જીવનશૈલીમાં પરિવર્તનની અગત્યતા વિશે વાત કરી બાળકોને સંદેશ આપ્યો હતો.
ઉપરાંત, જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના એ બાળકો સાથે સીધો સંવાદ કરીને પ્લાસ્ટિક વપરાશ ઘટાડવા અંગે સમજ આપી હતી.
ગુજરાત સરકારના કલાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા કલાઈમેટ ચેન્જની અસર ઘટાડા માટે પગલા અને મિશન લાઈફ (LIFE) ની પ્રવૃત્તીના પ્રચાર -પ્રસાર માટે તેમજ લોકોમાં પર્યાવરણ અનુકુળ ટેવો અને પ્રથાઓ અપનાવવા માટે જાગૃતિ ફેલાવા અર્થે આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં ધોરણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે પ્લાસ્ટીકની બોટલોનો ઉપયોગ બંધ થાય અને તેની જગ્યાએ સ્ટીલની પાણીની બોટલનો ઉપયોગ શરૂ થાય તે માટે કાર્યક્રમમાં સ્ટીલની પાણીની બોટલોનુ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. વધુમાં પર્યાવરણ અનુકૂળ ટેવો માટે બાળકોમા અવેરનેસ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયેશભાઇ અનડકટ, પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ, શહેર અગ્રણીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ઊપસ્થિત રહ્યાં હતાં.