દ્વારકા: રાવલમાંથી રૂ. ૪.૧૭ લાખના ફટાકડાનો જથ્થો ઝડપાયો
સુરક્ષાના પૂરતા સાધનો કે જરૂરી મંજૂરી વિના ફટાકડાનો સંગ્રહ કર્યો: વેપારી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલા ફટાકડાના મોટા જથ્થા પર પોલીસે દરોડો પાડી રૂ. ૪,૧૬,૫૭૮ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે વેપારીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કલ્યાણપુરના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાની આગેવાની હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના નેભાભાઈ બારડ, રામભાઈ વરવા અને મુન્નાભાઈ લગારીયાને મળેલી બાતમીના આધારે રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન હનુમાનધાર ખાતે રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૩૦ વર્ષીય જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે સંજય લખમણભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાંથી ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જરૂરી પરવાનગી વિના તેમજ ફાયર સેફ્ટી અને અન્ય સુરક્ષાનાં સાધનોની વ્યવસ્થા કર્યા વગર ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ફટાકડાનો જથ્થો રાખવાથી આગ કે અન્ય દુર્ઘટના સર્જાવાની અને લોકોના જીવ જોખમમાં મુકાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો. કબજે કરાયેલા ફટાકડાની કુલ કિંમત રૂ. ૪,૧૬,૫૭૮ હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે આરોપી વેપારી વિરુદ્ધ સ્ફોટક અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ હરદેવસિંહ જાડેજા, ભરતજી રાણાજી ઓડેદરા, નેભાભાઈ બારડ, રામભાઈ વરવા, મુન્નાભાઈ લગારિયા સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application