દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૫ જુગારી ઝડપાયા
લાંબા, વેરાડ, સામોર, ગઢકા અને વાડીનારમાં દરોડા : લાખોનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસ તેમજ એલ.સી.બી. દ્વારા જુગાર રમતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાં આવેલી વાડીના રહેણાક મકાનમાં એલ.સી.બી.એ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા વજશી ઉર્ફે દેવશી કરણાભાઇ કંડોરીયા, અરશી કંડોરીયા, હેમત વરૂ, પ્રકાશ રાઠોડ તથા બે મહિલાઓ રૂપીબેન આગઠ અને પુષ્પાબેન ગોરાણીયા મળી આવ્યાં હતાં. જ્યારે વજાભાઇ ચેતરીયા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૧,૩૧,૨૦૦/-, બે મોબાઈલ અને મોટરસાયકલ મળી કુલ રૂા. ૧,૬૧,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં તળાવની પાળ પાસે મહાદેવ મંદિરના ઓટલે જાહેરમાં તીનપત્તી રમતા ભિખુભાઇ આરદેસણા, મુકેશભાઇ દલસાણિયા, દિલિપભાઇ ચપલા, નિલેશભાઇ દઢાણિયા, ધર્મેન્દ્રભાઇ શોઢા અને રોહિતભાઇ ભાલોડીયાને રૂા. ૨૨,૨૦૦/-ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ખંભાળીયા તાલુકાના સામોર ગામના સ્મશાનમાં એલ.સી.બી.એ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મેરગભાઇ ભાટીયા, લખમણભાઇ ચાવડા, મહેશભાઇ વારોતરીયા અને આલાભાઇ કરંગીયાને રૂા. ૨૬,૮૦૦/- રોકડા તથા ૪ મોબાઈલ સહિત કુલ રૂા. ૫૬,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે લખમણ રામા ચાવડા અને ભગાભાઇ ચાવડા નાસી છૂટયા હતા.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા કિશોરસીંહ જાડેજા, હીતુભા જાડેજા, નરેંદ્રસીંહ જાડેજા અને પ્રુથવીરાજસીંહ જાડેજાને રોકડા રૂા. ૧૦,૪૩૦/- સાથે ઝડપાયા હતા. તેમજ ગઢકા ગામના ધાર વિસ્તારમાંથી હરદેવસીંહ જાડેજા, હીતેંદ્રસીંહ જાડેજા અને દેવશીભાઇ રાવલીયા રોકડા રૂા. ૩,૦૧૦/- સાથે પકડાયા હતા.
જ્યારે વાડીનાર બી.એસ.એન.એલ. ટાવર પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમતા ગુલામ ગંઢાર, મહમદ રીયાજ, આમીન શુંભણીયા અને અકબર સંઘારને પોલીસે રોકડા રૂા. ૧,૭૬૦/- સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.