BREAKING NEWS

દેવભૂમિ દ્વારકાના નિર્જન ટાપુઓ પર કડક નિયંત્રણ

  • May 27, 2026 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાના નિર્જન ટાપુઓ પર કડક નિયંત્રણ

સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા ૨૧ ટાપુઓમાં પૂર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ નિર્જન અને અતિ સંવેદનશીલ ટાપુઓ પર હવે લેખિત પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવાની મંજૂરી રહેશે નહીં. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આ આદેશ મુજબ કુલ ૨૧ ટાપુઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને આ જાહેરનામું આગામી તા. ૨૩ જુલાઈ સુધી અમલમાં રહેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૨૪ ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસાહત છે જ્યારે બાકીના ટાપુઓ નિર્જન છે. આવા ટાપુઓ પર વિવિધ ધાર્મિક સ્થળો હોવાને કારણે શ્રદ્ધાળુઓની અવરજવર રહેતી હોય છે. તંત્રના મતે આવી અવરજવરનો ગેરલાભ લઈને રાષ્ટ્રવિરોધી તત્વો, દાણચોરી કરતા ઇસમો અથવા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો આશ્રય મેળવી શકે તેવી શક્યતા રહેલી છે. સાથે જ હથિયારો અથવા નશીલા પદાર્થો છુપાવવાની પ્રવૃત્તિઓ પણ થઈ શકે તેવી આશંકાને ધ્યાનમાં રાખી સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓ, ધાર્મિક સ્થળો તેમજ ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવી આતંકી પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓને પણ નકારી શકાય નહીં. જાહેર સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ જળવાઈ રહે તે હેતુસર આ પ્રતિબંધાત્મક પગલાં અમલમાં મુકાયા છે.

પ્રતિબંધ હેઠળ આવેલા ટાપુઓમાં ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુનો સમાવેશ થાય છે.

જાહેરનામા અનુસાર, સંબંધિત ટાપુની મહેસૂલી હદમાં આવતાં પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજૂરી મેળવ્યા વિના કોઈપણ વ્યક્તિને આ ટાપુઓમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જોકે નરારા ટાપુ માટે અગાઉના સુધારેલા જાહેરનામા મુજબ કેટલીક શરતોને આધિન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું પણ તંત્રએ સ્પષ્ટ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News