દેવભૂમિ દ્વારકા: પુરુષોત્તમ માસ નિમિત્તે સંસ્કૃત વર્ગના ભૂલકાઓએ સર્જ્યો ભક્તિભાવનો અનોખો માહોલ
પવિત્ર પુરુષોત્તમ (અધિક) માસના પાવન અવસરે શ્રી દ્વારકા ગુગુલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા સંચાલિત સંસ્કૃત વર્ગના વિદ્યાર્થીઓએ ભક્તિ, સંસ્કાર અને ધાર્મિક પરંપરાનો સુંદર સમન્વય કરતો અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો.
આ પ્રસંગે ભગવાન શ્રી દ્વારકાધીશજીના બાલગોપાલ સ્વરૂપને ભવ્ય પુષ્પ શૃંગારથી અલંકૃત કરી નૌકાવિહાર દર્શનનું ભાવપૂર્ણ આયોજન બ્રહ્મપુરી-1 ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માટે વિશેષરૂપે 10 બાય 20 ફૂટનો વિશાળ હોજ તૈયાર કરવામાં આવ્યો હતો. અધિક જ્યેષ્ઠ માસ દરમિયાન ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી ઠાકોરજીને વિવિધ સુગંધિત અને રંગબેરંગી પુષ્પોથી નિર્મિત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા, જે ભક્તોને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હોજમાં વિવિધ પવિત્ર તીર્થોના જળનું સંકલન કરી તેમાં નૌકા સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં બાલ ગોપાલ સ્વરૂપે બિરાજમાન ઠાકોરજીના નૌકાવિહાર દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ અનોખા દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને દર્શનાર્થીઓમાં આધ્યાત્મિક આનંદની લાગણી છવાઈ ગઈ હતી. સાંજે 8:30 કલાકે સંસ્કૃત વર્ગના ભૂલકાઓ દ્વારા ભગવાનની મહા આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રાસ અને ભજન કીર્તન દ્વારા ભગવાનના ગુણગાન ગાઈ ભક્તિમય માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિવત્ ઠાકોરજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ ભૂલકાઓએ પવિત્ર જળમાં સ્નાન કરી આધ્યાત્મિક પુણ્ય સાથે આનંદનો અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
આ પ્રસંગે જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, મંત્રી કપિલભાઈ વાયડા, સહમંત્રી ચેતનભાઈ પૂજારી, કારોબારી સભ્ય જીતેશભાઈ ઠાકર, મધ્યસ્થ સભા સભ્ય ભાર્ગવભાઈ ભટ્ટ, કીર્તનભાઈ પાઢ, સામાજિક કાર્યકર સન્નીભાઈ પુરોહિત, મહિલા મંડળ પ્રમુખ હેમાબેન ઠાકર, અર્ચનાબેન ભટ્ટ સહિત અનેક આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્કૃત વર્ગના શિક્ષક તથા જ્ઞાતિ આચાર્ય સન્નીભાઈ પુરોહિત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રેષ્ઠ સૂર્યમુખી હનુમાનજી પરિવારના યુવાનોનું આયોજનને સફળ બનાવવા માટે વિશેષ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમ દ્વારા સંસ્કૃત શિક્ષણ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થતું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.