BREAKING NEWS

જામનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ: 69,000થી વધુ મુંગા જીવોને સ્થળ પર જ મળી સારવાર

  • October 06, 2026 10:24 AM 

જામનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ: 69,000થી વધુ મુંગા જીવોને સ્થળ પર જ મળી સારવાર

શહેરમાં 365 દિવસ 12 કલાક કરુણા એમ્બ્યુલન્સ અને ગ્રામ્ય વિસ્તારમાં 21 હરતા-ફરતા પશુ દવાખાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બન્યા

ગુજરાત સરકાર અને EMRI Green Health Servicesના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4.77 લાખથી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરાઈ

પશુ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સે પોતાની સેવાના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ સેવા દ્વારા જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 69,859 બીમાર અને ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની ઘટનાસ્થળે જ સારવાર કરવામાં આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જામનગર શહેરમાં વર્ષના 365 દિવસ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી સતત કાર્યરત રહીને મુંગા જીવોને નવજીવન આપી રહી છે.

છેલ્લા એક વર્ષની કામગીરી પર નજર કરીએ તો, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 8,044 પશુ-પક્ષીઓની સ્થળ પર સારવાર કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 5,776 કૂતરા, 1,085 ગાય, 838 બિલાડી અને 239 કબૂતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખિસકોલી, ઊંટ, કાગડો અને પોપટ જેવા અન્ય 106 વિવિધ જીવોની પણ તાત્કાલિક સારવાર કરી તેમને ઉગારી લેવામાં આવ્યા હતા.

બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને EMRI Green Health Servicesના સંયુક્ત ઉપક્રમે 'હરતું-ફરતું પશુ દવાખાનું' કાર્યરત કરવામાં આવ્યું છે. આ અંગે પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2020થી શરૂ કરાયેલી આ યોજના હેઠળ હાલ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 21 હરતા-ફરતા પશુ દવાખાના સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા આપી રહ્યા છે.
​​​​​​​
​​​​​​​આ હરતા-ફરતા પશુ દવાખાનાઓ દ્વારા અત્યાર સુધીમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફળતાપૂર્વક કુલ 4,07,927 પશુઓની સારવાર કરવામાં આવી છે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને પોતાના બીમાર પશુઓને દૂર સુધી લઈ જવાની હાલાકીમાંથી મુક્તિ અપાવી, તેમના ઘરઆંગણે જ સમયસર અને નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. આમ, શહેર અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને હરતા-ફરતા પશુ દવાખાના પશુઓની સુરક્ષા અને સંભાળ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application