BREAKING NEWS

ખાંડ સ્ટોક ચેકિંગના દરોડા યથાવત; કોઈ જગ્યાએથી કશું હાથ ન આવ્યું

  • August 31, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ખાંડના જથ્થા અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સ્ટોક લિમિટના અમલને લઈને પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. તહેવારોના દિવસોમાં ખાંડનો કૃત્રિમ ભાવવધારો કે સંગ્રહખોરી ન થાય તે માટે પુરવઠા વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને મોટા રિટેલ સ્ટોર્સ ખાતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે પુરવઠા વિભાગની ટીમ દ્વારા શહેરના કાલાવડ રોડ પર આવેલા ડી માર્ટ સહિત જૂના માર્કેટિંગ યાર્ડ અને અન્ય વિસ્તારોમાં ખાંડનો સ્ટોક, ખરીદી-વેચાણના રેકોર્ડ તેમજ જથ્થાની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. ટીમ દ્વારા વેપારીઓ પાસે રહેલા ખાંડના જથ્થાની સ્થળ પર ગણતરી કરી દસ્તાવેજો સાથે તેનો મેળ બેસાડવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન વેપારીઓને સરકાર દ્વારા નિર્ધારિત સ્ટોક લિમિટનું પાલન કરવા તેમજ ખાંડનો જથ્થો નિયમ મુજબ જ રાખવા સૂચના આપવામાં આવી હતી. પુરવઠા વિભાગની ટીમોએ વિવિધ વેપારીઓને ત્યાં તપાસ કરી હોવા છતાં હાલની કામગીરીમાં કોઈ સ્થળેથી ગેરકાયદે સંગ્રહ, વધારાનો જથ્થો કે નિયમભંગ અંગેની કોઈ બાબત હાથ લાગી નથી. તહેવારોને ધ્યાનમાં રાખીને ખાંડની માંગમાં વધારો થવાની શક્યતા વચ્ચે પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે. વિભાગની ટીમો દ્વારા વેપારીઓના સ્ટોક પર નજર રાખવાની સાથે ખાંડના ભાવમાં અનિયમિતતા કે સંગ્રહખોરીની ફરિયાદ મળે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application