જામખંભાળીયાના બજાણા ગામમાં પરીક્ષાના ટેન્શનમાં તરૂણનો આપઘાત
ખંભાળીયાના બજાણા ગામમાં ધો. ૧૧માં અભ્યાસ કરતો એક વિધાર્થીની આગામી દિવસોમાં છ માસીક પરીક્ષા આવવાની હોય જેની ચિંતાના કારણે ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ થયુ હતું. આ બનાવના કારણે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા હિરેન દેવશીભાઈ રાણંગા નામનો ૧૭ વર્ષનો તરુણ કે જે હાલ ધોરણ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરતા હોય, આગામી દિવસોમાં તેમની છ માસિક પરીક્ષા આવવાની હોવાથી તેના વિચારોમાં તેણે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દેવશીભાઈ મેઘાભાઈ રાણંગાએ અહીં પોલીસને કરી છે. આશાસ્પદ તરુણના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરો આક્રંદ પ્રસરાવી દીધો છે.
બજાણા ગામમાં બનેલા આ બનાવના કારણે શોકનું મોજુ ફેલાઇ ગયુ હતું, તરૂણના મૃત્યુના બનાવથી સાથી વિધાર્થીઓમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી, પોલીસમાં જાહેર થયેલી વિગતોના અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી હતી.
છેલ્લા કેટલાય સમયથી તરૂણ અવસ્થામાં આપઘાત કરવાના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહયુ છે, અમુક બનાવોમાં સાવ નજીવા કારણો હોય છે અને અમુક બનાવમાં પરિવારના સભ્યોના ઠપકાના કારણે તરૂણ વયના પગલુ ભરી લેતા હોય છે, ઉપરોકત બનાવમાં ધો. ૧૧ની છ માસીક પરીક્ષા આવવાની હોવાથી ચિંતામાં રહેતા વિદ્યાર્થીએ પગલુ ભરી લીધાનું પોલીસમાં જાહેર કરાયુ છે.