BREAKING NEWS

જામનગરમાં અસહ્ય ગરમી વચ્ચે તાપમાન ૩૮ ડીગ્રી નજીક

  • July 14, 2026 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અસહ્ય ગરમી વચ્ચે તાપમાન ૩૮ ડીગ્રી નજીક 

હજુ બે દિવસ વરસાદની આગાહી હોવાથી ખેડુતોએ આશા: આગામી દિવસોમાં વરસાદ નહી થાય તો પીવાના પાણીની તંગી શરૂ થશે: ગઇકાલે પપ કી.મી.ની ઝડપે પવન ફુંકાયો.

હવામાન ખાતાની આગાહી છતાં પણ ત્રણ દિવસ મેઘરાજાએ હાલાર ઉપર હેત વરસાવ્યું નથી જેના કારણે ખેડુતોમાં ચિંતાની લાગણી જન્મી છે. ગઇકાલે અસહ્ય બફારા વચ્ચે તાપમાન ૩૮ ડીગ્રી નજીક પહોંચી ગયું છે, હજુ બે દિવસ વરસાદની આશા છે, અલનીનો આઇઓડી અને કલાઇમેટ ચેન્જની અસરને કારણે વરસાદ હાથતાળી દઇને છટકી ગયો છે, આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો કેટલાક ગામડાઓમાં ટેન્કર શરૂ કરવા પડશે. હાલારનો માત્ર એક ઉમિયાસાગર ડેમ ભરાયોછે. અન્ય ચાર કે પાંચ ડેમમાં ૫૦ ટકા ઉપર પાણી છે પરંતુ વરસાદ ખેંચાતા ખેડુતોમાં ઉચાટ થયો છે.

કલેકટર કચેરીના કંટ્રોલરૂ​​​​​​​મના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૮.૫ લઘુતમ તાપમાન ૨૮.૪, હવામાં ભેજ ૭૩, પવનની ગતિ ૫૦ થી ૫૫ પ્રતિ કિ.મી.ની ઝડપે જોવા મળી છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, દ્વારકા, ફલ્લા, જામરાવલ, ભાટીયા, સહિતના ગામોમાં પણ વાદળા સાથે તડકો છાયો જોવા મળ્યો છે. ભેજ વધુ હોવાને કારણે બફારો વઘ્યો છે. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ગ્રામ્ય પંથકમાં ગઇકાલે ૫૫કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને ગરમીથી રાહત થઇ હતી. કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, જામજોધપુર, કલ્યાણપુર, ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, રાવલ, ફલ્લા સહિતના ગામોમાં આજે પણ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ભારે થી અતિ વરસાદની આગાહી છે ત્યારે ખેડુતો વરસાદની રાહ જોઇ રહ્યા છે. 

સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોમાં ધાર્યા કરતા પાણી ઓછુ છે અને જેમાં ખાસ કરીને જામનગર અને દ્વારકાના જળાશયોમાં નીર સાવ ઓછા આવ્યા છે જેના કારણે ખેડુતોમાં ચિંતા છે, ગયા ચોમાસામાં આ સમયે ૭૦ ટકાથી વધુ ડેમો ભરાઇ ગયા હતા આજે હાલત કફોડી બની છે, દેવભૂમિ દ્વારકા પંથકનો સાની ડેમ હવે રીપેર થઇ ગયો છે આ વખતથી તેમાં પાણી ભરાશે. જો વરસાદ થાય તો આ પંથકના લોકોને કંઇક થોડે ઘણે અંશે રાહત પણ થાય. જામનગર જિલ્લાના ત્રણ જેટલા ગામોમાં ટેન્કર શરૂ​​​​​​​ કરાયા છે ચોમાસુ નબળા તબકકામાં છે, સૌરાષ્ટ્રમાં વરસાદની ખાધ દેખાય છે એક એવી આશા જાગી છે કે તા. ૧૮થી ૨૫ જુલાઇ ચોમાસુ ખરી રીતે આવશે ગઇકાલે સેટેલાઇટ તસવીરમાં ઉતર ભારત, રાજસ્થાન અને ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવુ તસ્વીરમાં દેખાયુ હતું. જામનગર શહેરને સૌની યોજના એટલે કે નર્મદાનું પાણી વધુ લેવુ પડશે તેવુ લાગે છે. જો કે આ અંગે મહાપાલિકાના સતાવાળાઓએ રાજય સરકારમાં જાણ પણ કરી દીધી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application