BREAKING NEWS

જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું

  • April 23, 2026 11:49 AM 

જામનગરમાં કરુણાંતિકા: કિસાન ચોકમાંથી ગુમ થયેલા બે માસૂમ બાળકોના તળાવમાંથી મૃતદેહો મળી આવતાં ભારે શોકની લાગણી

બન્ને જીગરજાન બાળમિત્રો ગઈ રાત્રે ઘેરથી ગુમ થયા બાદ આજે તળાવમાંથી ફાયરે મૃતદેહો બહાર કાઢી પોલીસને સોંપ્યા; પરિવારજનોનો સ્થળ પર ભારે કલ્પાંત


જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. કિસાન ચોક વિસ્તારથી ગુમ થયેલા જેનિશ અજયભાઈ નંદા (૧૨ વર્ષ) અને હર્ષિલ રાજેશભાઈ ડાંગર (ઉ.વ.૧૦) નામના બે નિર્દોષ બાળકોના આજે પાછળા તળાવમાંથી મૃતદેહો મળી આવતાં ભારે દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બંને બાળકો ગઈકાલે રાતે પોતાના ઘરેથી અચાનક નીકળી ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, અને નાગરિકોને પણ અપીલ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. 

દરમિયાન આજે સવારે પાછલા તળાવ વિસ્તારમાં શોધખોળ દરમિયાન બંને બાળકોના મૃતદેહો નજરે ચઢતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે મહેનત બાદ બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાં જ સિટી એ. ડિવિઝન ની પોલીસ ટિમ પણ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહોને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ગુમ થનાર બંને બાળકોના પરિવારજનોને જાણકારી મળી હોવાથી તેઓ પણ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા હતા, અને બાળકોના મૃતદેહોને જોઈને બંને પરિવારના સભ્યોએ ભારે હૈયાફાટ રૂદન કર્યું હતું, અને વાતાવરણમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

આ કરુણ બનાવથી બંને પરિવારોમાં ભારે આક્રંદ ફેલાયો છે, અને સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ સર્જાયો છે. આ ઘટનાએ શહેરના નાગરિકોને પણ વ્યથિત કરી દીધા છે. સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application