અખૂટ વૈભવે યાદવોને ઉત્સવપ્રિય, ઉન્મત્ત બનાવી દીધા

  • October 27, 2023 11:59 AM 

ઉત્તંક મુનિને વિરાટ‚પનું દર્શન કરાવ્યા પછી કૃષ્ણ દ્વારિકા તરફ નીકળ્યા. કૃષ્ણ, સાત્યકિ અને સુભદ્રા આનર્ત પ્રદેશ, આજના સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા ત્યારે રૈવતાચળ પર્વત પર યાદવો દ્વારા ઉત્સવ મનાવાતો હતો. મહાભારતમાં વર્ણવાયેલા તમામ રજવાડાઓમાં માત્ર યાદવ રાજ્ય બાબતે જ એવા ઉલ્લેખ વધુ છે કે ત્યાં ઉત્સવ મનાવાતા હોય. જળક્રીડા, વનક્રીડા, પર્વતક્રીડા વગેરે ઉત્સવો યાદવો ઉજવતા હોય તેના વર્ણનો મહાભારતમાં છે. કૃષ્ણએ યાદવો માટે પ્રભાસ ક્ષેત્રના સમુદ્રમાં જળ ઉત્સવ ઉજવ્યાનું વિસ્તૃત ચિત્રણ હરિવંશમાં છે. અર્જુન જયારે સુભદ્રાને પ્રથમ વખત જોઈ ત્યારે રૈવતી, આજના ગિરનાર પર્વત પર ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. યાદવાસ્થળી થઈ ત્યારે યાદવો સમુદ્રકિનારે ઉત્સવ મનાવી રહ્યા હતાં. જયારે કૃષ્ણ હસ્તિનાપુરથી પરત આવ્યા ત્યારે યાદવો રૈવતાચળ પર ઉત્સવમાં મગ્ન હતાં. કૃષ્ણએ દ્વારકાને એટલી સમૃધ્ધ બનાવી હતી કે ત્યાંની પ્રજા વૈભવશાળી ઉત્સવો મનાવવા સક્ષમ બની શકી હતી. વૈભવની છોળોને કારણે યાદવો ઉત્સવપ્રિય પણ બની ગયા હતાં.


રૈવતાચળના ઉત્સવનું વર્ણન મહાભારતના આશ્ર્વમેધિક પર્વમાં કરવામાં આવ્યું છે. તેમાં પણ આ વૈભવનું દર્શન થાય છે. મહાભારતકાર લખે છે: ‘વિવિધ પ્રકારના રંગબેરંગી વિચિત્ર સ્વ‚પોથી સુશોભિત સુવર્ણયુકત ખજાનાઓથી ભરપૂર રૈવતક ચારેબાજુથી શોભાયમાન હતો. શ્રેષ્ઠ સુવર્ણમાળાઓ, રમ્ય પુષ્પો, વસ્ત્રો અને કલ્પવૃક્ષોને લીધે તે પર્વત સુંદર લાગતો હતો. અનેક પ્રકારના સુવર્ણમય દીપ વૃક્ષો (વૃક્ષની ડાળીઓ પર દિવાઓ મુકીને પ્રકાશિત કરેલાં) દ્વારા પર્વતની ગુફાઓ અને ઝરણાઓ જાણે દિવસ હોય તેવી રીતે પ્રકાશમાન થઈ ગયા હતાં. રંગબેરંગી ધજાઓ, કર્ણપ્રિય ઘંટનાદો સાથે પુરુષો અને સ્ત્રીઓને કારણે રૈવતક આખો ગીતમય જણાતો હતો. હર્ષોન્મન અને મદોન્મત એવા સ્ત્રી પુરુષોના ટોળાં પોતાના મધુર અવાજથી જાણે સ્વર્ગલોકને સ્પર્શી રહ્યા હતાં. ત્યાં કેટલાંક મનુષ્યો પ્રમત્ત, મત્ત અને સમ્મત્ત બનીને ક્રીડા તથા હર્ષયુકત અવસ્થામાં તેમના કોલાહલથી તથા કિલકિલાટથી વાતાવરણને હર્ષમય બનાવતા હતાં. પર્વત પર દુકાનો અને બજારો પણ લાગેલા હતાં. તે ભક્ષ્ય, ભોજ્ય તથા વિહારોની વસ્તુઓથી તથા વસ્ત્રો અને માળાઓથી વ્યાપ્ત હતાં. વીણા, વાંસળી અને મૃદંગોના અવાજથી પર્વત ગુંજી રહ્યો હતો. સુરા અને આસવના મિશ્રણથી, સુરામૈરેયમિશ્રેણ, તૈયાર થયેલો ભક્ષ્ય, ભોજ્ય આહાર ગરીબ, અંધ અને કૃપણોને સતત દાન સ્વ‚પે આપવાથી રૈવતક પર્વત મહાગિરિનો મહોત્સવ અત્યંત આનંદપૂર્ણ જણાતો હતો. યાદવોના અનેક ઘરોથી વ્યાપ્ત એ રૈવતક પર્વત દેવલોક જેવો લાગતો હતો. કૃષ્ણનું આગમન થતાં તેમનું સાંનિધ્ય પામીને પર્વતરાજ રૈવતાચળ ઈન્દ્રના ભવનની જેમ શોભી ઉઠયો.’
રૈવતકના ઉત્સવનું લંબાણપૂર્વકનુ વર્ણન વેદવ્યાસે અકારણ નથી કર્યુ. યાદવોની રહેણીકરણી અને તેમનો વૈભવ તરફ તેમણે અંગુલીનિર્દેશ કર્યો છે. વૈભવી જીવનશૈલીને કારણે યાદવો ઉન્મત્ત બની ગયા હતાં એ પણ તેમણે દર્શાવ્યું અને યાદવાસ્થળી તરફ દોરી જતી ઘટનાઓનો પણ દિશાનિર્દેશ કર્યો છે. વૈભવ જયારે ઉન્મત્ત બને છે ત્યારે મર્યાદાઓ લોપાઈ જાય છે અને પતનનો રસ્તો ખુલે છે. અઢળક સંપત્તિ અને કૃષ્ણની લાંબી ગેરહાજરી એ બંનેને કારણે યાદવો મર્યાદા ચૂકવા માંડયા હતાં.


રૈવતાચળમાં સત્કાર પામીને કૃષ્ણ દ્વારકા પહોંચ્યા જયાં તેમનું ભવ્ય સ્વાગત થયું. મહાભારત યુધ્ધમાં કૃષ્ણની ભૂમિકાને વેદવ્યાસ ઈન્દ્રના દાનવો પરના વિજય સાથે સરખાવ્યું છે. દાનવો પર વિજય પ્રાપ્ત કરીને ઈન્દ્ર પરત ફર્યા ત્યારે દેવોએ તેમનું જેવું સ્વાગત કર્યુ હતું એવું જ સ્વાગત ભોજ, અંધક અને વૃષ્ણિ વંશના યાદવોએ તેમનું કર્યુ હતું. કૃષ્ણએ બધાના કુશળ પૂછીને માતા પિતાને પ્રણામ કર્યા. પિતા વસુદેવે મહાભારતનું યુધ્ધ કેવી રીતે અને કેવું થયું તે પૂછયું એટલે કૃષ્ણએ યુધ્ધનું વર્ણન કર્યુ. કૃષ્ણએ કહ્યું કે યુધ્ધમાં લડનાર તે મહાન ક્ષત્રિયોના પરાક્રમ તો એટલા અદ્ભૂત છે કે સો વરસ સુધી વર્ણન કરું તો પણ ખૂટે નહીં એટલે હું સંક્ષેપમાં વર્ણન કરું છું. કૃષ્ણએ અહીં વર્ણન કરતી વખતે પાંડવોના સેનાપતિ તરીકે શિખંડીનું નામ લીધું છે. ગીતાના પ્રથમ અધ્યાયમાં બંને સેનાના બળાબળની સરખામણી વખતે ભીમને સેનાપતિ ગણાવાયો હતો, બલમ્ ભીમાભી રક્ષતિ. અને ઉદ્યોગપર્વમાં યુધ્ધની શ‚આત પહેલા ધૃષ્ટધુમ્નને સેનાપતિ તરીકે નિયુકત કરાયાનું કહેવાયું છે. મહાભારતમાં અન્ય સ્થાને પણ ધૃષ્ટધુમ્નને સેનાપતિ ગણાવાયો છે. શિખંડી સેનાપતિપદે નિયુકત થયો નહોતો પણ ભીષ્મના વધ માટે તેને નિયુકત કરાયો હતો. કૃષ્ણ અહીં એમ પણ કહે છે કે શિખંડીના બાણોથી ઘાયલ થવાથી ભીષ્મ પડયા અને તેમણે બાણશય્યા પર સમય વિતાવ્યા પછી ઈચ્છા મૃત્યુ મુજબ સ્વર્ગમાં ગયા. દ્રોણવધનું વર્ણન કરતી વખતે અહીં જ કૃષ્ણ કહે છે કે દ્રોણ કૌરવોના સેનાપતિ બન્યા ત્યારે ધૃષ્ટધુમ્ન પાંડવોનો સેનાપતિ હતો. શિખંડીને સેનાપતિ કહેવાનું કૃષ્ણનું તાત્પર્ય ભીષ્મનો વધ કઈ રીતે થયો તે સમજાવવા માટેનું હોવું જોઈએ. ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય, દુર્યોધન વગેરે યોધ્ધાઓના વધનું અને અશ્ર્વત્થામાના ઘોર કર્મનું વર્ણન કર્યા પછી કૃષ્ણએ કહ્યું કે હું, સાત્યકિ અને પાંચ પાંડવો જ આ મહાયુધ્ધમાં બચી શકયા છીએ. પાંડવોના તમામ પુત્રો, વધેલું સૈન્ય અને મિત્રોનો નાશ થયો છે. આ જ રીતે કૌરવપક્ષે કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્ર્વત્થામા જ બચ્યા છે. તથા, પાંડવોનો આશ્રય લેવાથી કુ‚વંશી યુમુત્સુ બચી ગયો છે. કૃષ્ણએ અહીં સંજયનો ઉલ્લેખ કર્યો નથી. સંજય યુધ્ધ લડતો હતો પણ, તેનું મુળ કામ યુધ્ધ લડવાનું નહીં, ધૃતરાષ્ટ્રને યુધ્ધની ઘટનાઓથી અવગત કરાવવાનું હતું એટલે કદાચ કૃષ્ણએ તેને યુધ્ધમાં ગણ્યો નહીં હોય. કૃષ્ણ સંજયને ભુલ્યા નથી કારણકે તે પછીના જ શ્ર્લોકમાં કૃષ્ણ કહે છે કે દુર્યોધન તેના બંધુઓ અને મિત્રો સહિત માર્યો ગયો એટલે તેના મંત્રીઓ વિદુર અને સંજય બંને યુધિષ્ઠિર પાસે આશરો લેવા માટે આવ્યા.


યુધ્ધનું વર્ણન કરતી વખતે કૃષ્ણએ વિચાર્યુ કે અભિમન્યુ વધની વાત કરીશ તો દોહિત્રના મોતનું વર્ણન વસુદેવને અપ્રિય લાગશે એટલે એ ઘટના તેમણે વર્ણવી નહીં, છોડી દીધી. પરંતુ વૃતાંત સાંભળી રહેલી સુભદ્રા તરત જ બોલી કે ‘કૃષ્ણ, અભિમન્યુ વધ અંગે તો તમે કહો.’ આમ કહીને સુભદ્રા શોકથી પૃથ્વી પર ઢળી પડી. યાદવોનો પ્રિય ભાણેજ અભિમન્યુ દ્વારકામાં જ ઉછર્યો તો. દ્વારકાવાસીઓનો અદ્ભૂત પ્રેમ તેણે મેળવ્યો હતો. અભિમન્યુનો વધ થયો છે તે સાંભળીને બધા યાદવો દુ:ખી થયા. યાદવોની સાથે મળીને કૃષ્ણએ જ ભાણેજ અભિમન્યુ માટે શ્રાધ્ધ અને દાન વગેરે ઔર્ધ્વદૈહિક કાર્યો કર્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application