વર્ષ 2020માં દેશના વડાપ્રધાન દ્વારા સ્થપાયેલું અને આયુર્વેદ ક્ષેત્રે દેશનું પ્રથમ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો ધરાવતું ITRA જામનગર
પરંપરાગત ચિકિત્સાનું સૌથી પૌરાણિક શાસ્ત્ર : આયુર્વેદ
આયુર્વેદ દ્વારા આરોગ્યનું આરાધનાલય એટલે આઇ.ટી.આર.એ. જામનગર
ITRA જામનગરની સ્થાપનાને છ વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
પ્રાચીન શાસ્ત્ર અને આધુનિક અભિગમનો સમન્વય
આયુર્વેદ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી દ્વારા નૂતન કાર્ય અને સંશોધનના દ્વાર ખૂલ્યાં: ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી
જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકેનો દરજ્જો ધરાવે છે. તા 15 ઓકટોબર 2020ના દિવસે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંસ્થાન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરવામાં આવ્યું હતું. જામનગરને જ્યારે આયુર્વેદની જનકભૂમિ માનવામાં આવે છે ત્યારે જામનગરને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી એટલે કે IIT અને IIM કક્ષાની શિક્ષણ અને સંશોધન માટેની સંસ્થા ભેંટ આપવામાં આવી હતી. આજે તેને છ વર્ષ પૂર્ણ થતાં આયુર્વેદ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સીના સંગમમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર એ આયુર્વેદનું કાશી અને માન્ચેસ્ટર તેમજ ઉદગમ સ્થાન તરીકે વિશ્વ વિખ્યાત બન્યું છે કારણ કે અહીં રજવાડાંના સમયથી થયેલી શરૂઆત આજે વિશ્વભરની પરંપરાગત ચિક્ત્સાનું મહત્વનું કેન્દ્ર બની રહી છે.
આઇ.ટી.આર.એ.(ઇટ્રા) ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં તબીબી અભ્યાસ માટે સ્નાતક કક્ષાથી માંડી અને પી.એચડી. સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વધુમાં અહીં આયુર્વેદ ફારમસી માટે પણ ડિપ્લોમા થી માંડી પીએચ.ડી સુધી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. યોગ અને નેચરોપેથીના પણ વિવિધ ટૂંકા ગાળાના ડિપ્લોમા કક્ષાના અભ્યાસો અહીં ચાલે છે જેમાં ડોક્ટરો માટે પણ ખાસ યોગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
ITRA ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી જણાવે છે કે ચિકિત્સા અને સારવાર માટે અહીં જાણે મહા યજ્ઞ યોજાઇ રહ્યો હોય તેમ ત્રણસો પથારીની સુવિધા સાથેની અદ્યતન એન.એ.બી.એચ. પ્રમાણિત રાજ્યની સૌપ્રથમ હોસ્પિટલ કાર્યરત છે જેમાં દૈનિક સરેરાશા એક હજાર દરદી ઓ.પી.ડી. કક્ષા પર સારવારનો લાભ મેળવે છે. વધુમાં જામનગર શહેર અને જિલ્લામાં કુલ આઠ સ્થળોએ(સુરક્ષાદળો, જેલ, ગ્રામ્ય વિસ્તાર) પણ સાપ્તાહિક ઓ.પી.ડી. સુવિધા કાર્યરત કરવામાં આવી છે. સામાન્ય સમસ્યા થી લઇ વૈશ્વિક મહામારી અને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે અહીં સક્ષમ પ્રયાસો થકી ઉત્સાહવર્ધક પરિણામો મેળવાઇ રહ્યાં છે. આધુનિક વિજ્ઞાનની કુલ 6 પ્રકારની એન.એ.બી.એલ. પ્રમાણિત લેબોરેટરી અને અદ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે. યોગ અને નિસર્ગોપચાર માટે અલાયદું કેન્દ્ર અહીં શરૂ કરી લોકો માટે સ્વાસ્થ્ય સુખાકારી માટે કાર્યરત કરાયું છે જેનો નાગરિકો ભરપૂર લાભ લે છે.
સંસ્થાની સ્થાપનાથી આજ સુધીમાં કુલ ૧૮,૪૭,૮૦૭ દરદીઓ દ્વારા ઑ પી ડી ખાતે નિદાન ચિકિત્સાનો લાભ લેવામાં આવ્યો છે અને કુલ ૨૭,૫૨૦ દરદીઓને હોસ્પિટલમાં દાખલ સેવાઓ પ્રદાન કરવામાં આવી છે. સંસ્થા ખાતે વિવિધ વિભાગોમાં મળીને કુલ ક ૨૦ ઑ પી ડી હાલ કાર્યરત છે અને નજીકના ભવિષ્યમાં વિવિધ ખાસ વર્ગીકૃત સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા અઢાર રાષ્ટ્રીય અને નવ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મળી કુલ ૨૭ સંસ્થાઓ સાથે MoU કરી વિશેષ શૈક્ષણિક અને સંશોધન કાર્યો હાથ ધરાયા છે. આઇ.ટી.આર.એ. ખાતે આયુર્વેદ ક્ષેત્રની દેશની સૌથી સમૃધ્ધ અને અતિઅદ્યતન લાયબ્રેરી છે જેમાં ત્રીસ હજારથી વધુ પુસ્તકો અને પાચ હજારથી વધુ હસ્તપ્રતો(મેન્યુસ્ક્રિપ્ટ) ઉપલબ્ધ છે. સંસ્થામાં એનીમલ હાઉસ પણ છે જ્યાં નિયત માપદંડોથી તબીબી અને ઔષધિય સંશોધનો કરવામાં આવે છે.
ITRA દિવસ નિમિત્તે ‘આયુટેક નવોનમેષ 2026’ રાષ્ટ્રીય પરિષદનું આયોજન:
ITRA, જામનગર દ્વારા તા. ૧૫ અને ૧૬ ઓકટોબરના રોજ સંસ્થાના છઠ્ઠા સ્થાપના દિવસ નિમિત્તે ડૉ. પી. એમ. મહેતા ઓરેશન તથા ‘આયુટેક નવોનમેષ 2026’ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રો. ડૉ. તનુજા નેસરીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ પરિષદનો મુખ્ય વિષય ‘આયુર્વેદમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)નો ઉપયોગ’ છે. પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આયુર્વેદિક સંશોધન, ઔષધ વિકાસ, શિક્ષણ અને આરોગ્યસેવામાં AI તથા આધુનિક ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ અંગે પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે નિષ્ણાત વ્યાખ્યાનો, વિશેષ સમજ, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ પહેલનો હેતુ પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા આયુર્વેદના સંશોધન અને વિકાસને નવી દિશા આપવાનો છે.
જામનગર એટલે આયુર્વેદ ક્ષેત્ર માટે પ્રથમેશ પરિસર:-
વર્ષ ૧૯૪૪માં રાજવી જામ પરિવાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા માટે કેન્દ્ર સ્થપાયું ત્યાર બાદ વર્ષ ૧૯૪૬માં સૌપ્રથમ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીની સ્થાપના થઇ, આઝાદી વર્ષ ૧૯૪૭માં આયુર્વેદ માટે આધુનિક સંશોધન કેન્દ્ર અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૪માં સૌપ્રથમ કેન્દ્રિય સંશોધન કેન્દ્ર સી.આઇ.આર.આઇ.એસ.એમ. પણ અહીં સ્થપાયું, વર્ષ ૧૯૫૬માં ભારતવર્ષનો સૌપ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ(અનુસ્નાતક) શિક્ષણ સંસ્થાન પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૧૯૬૭માં અહીં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, આયુર્વેદ ક્ષેત્રનું સૌપ્રથમ અને એક માત્ર કેન્દ્ર ડબલ્યુ.એચ.ઓ.નું કોલોબ્રેટિવ સેન્ટર ફોર રિસર્ચ પણ અહીં જ સ્થપાયું, વર્ષ ૨૦૨૦માં દેશની સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા) પણ અહીં જ સ્થપાઇ અને ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ગ્લોબલ ટ્રેડિશલ મેડિસિન સેન્ટર (જી.ટી.એમ.સી) પણ જામનગરના ગોરધનપર ખાતે જ સ્થપાયું છે.