જામનગર સહિત રાજ્યભરમાં 36થી વધુ સ્થળોએ શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન: ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
જામનગર સહિત રાજ્યભરમાં 36થી વધુ સ્થળોએ શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન: ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
October 15, 2026 09:55 AM
જામનગર સહિત રાજ્યભરમાં 36થી વધુ સ્થળોએ શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન: ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
જામનગરમાં લાલપુર બાયપાસ ખાતે 2.50 લાખ ચોરસ ફૂટના વિશાળ મેદાનમાં દિવ્ય આયોજન; ચુસ્ત સુરક્ષા, આરોગ્ય અને ફાયર સેફ્ટી સાથે પારિવારિક માહોલમાં ભક્તિ અને દેશભક્તિનો અનેરો સંગમ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં 36થી વધુ સ્થળોએ નવરાત્રી મહોત્સવનું ઝાકઝમાળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે યોજાયેલા આ મહોત્સવમાં ખેલૈયાઓ પારિવારિક વાતાવરણમાં મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ 2016થી શરૂ થયેલો આ મહોત્સવ દર વર્ષે અવિરતપણે પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. 11 ઓક્ટોબરથી પ્રારંભ થયેલા આ મહોત્સવમાં લેઉવા પટેલ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા છે. દરરોજ રાત્રે 9 વાગ્યે માતાજીની ભાવપૂર્ણ મહાઆરતી બાદ ગરબાની રમઝટ જામે છે.
વિશાળ ગ્રાઉન્ડ અને થીમ આધારિત દર્શન: જામનગર ખાતે અંદાજે 2.50 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ અને દર્શનાર્થીઓ માટે માતાજીના વિશિષ્ટ મંદિરમાં દરરોજ અલગ-અલગ થીમ આધારિત અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
3 રાઉન્ડ ગરબા બાદ દેશભક્તિનો માહોલ: આ મહોત્સવમાં ખેલૈયાઓ માટે ગરબે ઘૂમવા 3 વિશેષ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ સમગ્ર ગ્રાઉન્ડમાં દેશભક્તિનો માહોલ સર્જાય છે અને 'વંદે માતરમ્' ગીતના ગાન સાથે ગરબાના દિવસની પૂર્ણાહુતિ થાય છે, જ્યાં ભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો અનેરો સંગમ જોવા મળે છે.
700થી વધુ સ્વયંસેવકો અને વ્યવસ્થાપન: મહોત્સવના સુચારુ સંચાલન માટે 700થી વધુ સમર્પિત સ્વયંસેવકો રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહ્યા છે. વાહનોની સરળ અવરજવર માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનું સંચાલન સ્વયંસેવકો દ્વારા ખૂબ જ સચોટ રીતે કરવામાં આવે છે.
ચુસ્ત સુરક્ષા, ફાયર સેફ્ટી અને આરોગ્ય કેન્દ્ર: ખેલૈયાઓ અને પરિવારોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં સમગ્ર ગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે, જેના પર સિક્યુરિટી કમિટી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ગ્રાઉન્ડમાં ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધાઓ સાથે આપાતકાલીન સ્થિતિ માટે ૪ ઇમરજન્સી રસ્તા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગરબા રમતી વખતે કોઈ ખેલૈયાની તબિયત ન લથડે તે માટે સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તેવું વિશેષ આરોગ્ય કેન્દ્ર (મેડિકલ સેન્ટર) પણ કાર્યરત કરવામાં આવ્યું છે.