BREAKING NEWS

ભાણવડ: બરડા જંગલમાં સિંહોની ગર્જના: સફારી રૂટ કપુરડી પાસે એક સાથે ૧૦ સિંહના શાહી દર્શનથી પ્રવાસીઓમાં રોમાંચ

  • May 29, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ: બરડા જંગલમાં સિંહોની ગર્જના: સફારી રૂટ કપુરડી પાસે એક સાથે ૧૦ સિંહના શાહી દર્શનથી પ્રવાસીઓમાં રોમાંચ

ઉનાળુ વેકેશનની મજા માણવા નીકળેલા પ્રવાસીઓ માટે પોરબંદર જિલ્લાનું બરડા વન્યજીવ અભયારણ્ય હાલમાં એક હોટ સ્પોટ બની ગયું છે. બરડા જંગલ સફારીમાં પ્રવાસીઓનો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રકૃતિના સાનિધ્યમાં વનરાજ વનને નજીકથી માણવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. આ દરમિયાન જંગલ સફારીના રૂટ પર એક સાથે અંદાજે ૧૦ જેટલા સિંહોના શાહી દર્શન થતાં પ્રવાસીઓ માટે આ મુલાકાત જીંદગીભરનું યાદગાર સંભારણું બની ગઈ છે.

કુદરતના ખોળામાં વનરાજનું આ નિર્ભય વિચરણ જોઈને કપૂરડી પાસે સફારીમાં આવેલા પ્રવાસીઓએ આ યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. બરડા જંગલ સફારી શરૂ થયા બાદ કપૂરડી ચેકપોસ્ટથી પ્રવાસીઓ માટે જીપ સફારીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સફારી દરમિયાન પ્રવાસીઓને માત્ર સિંહ જ નહીં, પરંતુ હરણ, ડુંગરો, તળાવો, ખળખળ વહેતા ઝરણાં, મગર અને પક્ષીઓનો કલરવ તથા પહાડી કુદરતી સૌંદર્ય નજીકથી નિહાળવા મળી રહ્યું છે. જો કે, સમગ્ર સફારીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વનરાજના દર્શન જ રહ્યું છે. સિંહોના ટોળાને જોઈ પ્રવાસીઓએ પોતાના મોબાઈલ અને કેમેરા લાઈવ કર્યા હતા અને બરડાના જંગલમાં સિંહોના પાછા દેખાતા ઉનાળુ વેકેશન માણવા આવેલા પ્રવાસીઓ ભારે રોમાંચિત બન્યા હતા.

બરડા વન્યજીવ અભયારણ્યમાં ક્યારે કેટલા સિંહ દેખાયા તેના આંકડા પ્રવાસીઓનો ઉત્સાહ સતત બેવડાવી રહ્યા છે. ગત ઓક્ટોબરમાં એકસાથે સૌથી વધુ ૧૧ સિંહ જોવા મળ્યા હતા, જ્યારે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે એકસાથે ૯ સિંહોના દર્શન થયા હતા. ચાલુ માર્ચ માસમાં પણ અગાઉ ૨ દિવસ પહેલાં ૫ સિંહ દેખાયા હતા, તેવામાં સફારીના રૂટ પર એકસાથે ૧૦ સિંહ દેખાતા બરડાનું આકર્ષણ ટોચ પર પહોંચ્યું છે.

વનરાજના કુદરતી આવાસમાં થયેલા આ અદ્ભુત દર્શન પ્રવાસીઓ માટે માત્ર એક સફારી રાઇડ નહીં, પરંતુ ક્યારેય ન ભુલાય તેવી ક્ષણ બની ગઈ છે. પ્રકૃતિના આ અદ્ભુત નજારા વચ્ચે કલબલાટ કરતા સિંહોને જોઈ પ્રવાસીઓએ અનોખી અનુભૂતિ વ્યક્ત કરી હતી અને આ દ્રશ્યો લોકોને ફરી-ફરીને બરડા તરફ ખેંચી રહ્યા છે.

હાલમાં વેકેશનનો સમય હોવાથી ત્યાં દરરોજ પ્રવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે. પ્રવાસીઓના મતે,આ અનુભવ કેમેરામાં કેદ કરવા જેવો જ નહીં, પણ દિલમાં કોતરાઈ જાય તેવો અદ્ભુત હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application