જામનગરના કૂતરાઓનો આતંક : ૨ વર્ષમાં ૨૮ હજારને ભર્યા બચકા
સરકારી કાગળ પરના નિયમો જનતાના જીવ પર ભારે, પ્રજાનો તીખો આક્રોશ
સુપ્રીમ કોર્ટે હરવાસ આપી દીધી છતાં કોર્પોરેશનની નરી નાદડદાઇ : શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં ડોગ બાઈટના કિસ્સામાં સતત વધારો : દર મહિને લગભગ એક હાજર જેટલા કેસો નોંધાય છે. :ખસીકરણનો નિયમ હટાવી શ્વાનોને સરકારી ખરાબમાં ખસેડવા ઉગ્ર માંગ
જામનગર સહિત સમગ્ર હાલાર અને ગુજરાતભરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે માત્ર સામાન્ય સમસ્યા નથી રહ્યો, પરંતુ જનતાના જાનમાલ સામે ઊભો થયેલો અતિ ગંભીર અને ભયાનક ખતરો બની ગયો છે. શેરીઓ, ગલીઓ અને જાહેર માર્ગો પરથી પસાર થતી વખતે માસૂમ બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ પર આક્રમક શ્વાનોના લોહિયાળ હુમલાઓ રોજીંદી ઘટના બની ગયા છે. તાજેતરમાં જામનગર તેમજ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં બનેલી ઘટનાઓમાં કેટલાય માસૂમો લોહીલુહાણ થયા છે અને કેટલાક કિસ્સામાં તો નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે સોસાયટીઓ કે એરિયામાં નીકળતા જ લોકોના મનમાં કાળો ભય બેસી ગયો છે અને પ્રજામાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે.છેલ્લા બે વર્ષમાં જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ડોગ બાઈટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
ડોગ બાઈટના જામનગરની સરકારી હોસ્પિટલના સત્તાવાર આંકડાઓ જ તંત્રની ઘોર નિષ્ક્રિયતા અને સ્થિતિની ગંભીરતાની ચાડી ખાય છે. વર્ષ ૨૦૨૫ના આંકડાઓ પર નજર કરીએ તો જાન્યુઆરીમાં ૧૨૯૭, ફેબ્રુઆરીમાં ૧૧૩૯, માર્ચમાં ૧૧૩૮, એપ્રિલમાં ૧૧૫૮, મે માસમાં ૧૧૪૪, જૂનમાં ૧૦૦૪, જુલાઈમાં ૧૧૩૯, ઓગસ્ટમાં ૯૭૮, સપ્ટેમ્બરમાં ૧૦૭૭, ઓક્ટોબરમાં ૧૫૭૫, નવેમ્બરમાં ૧૬૯૧ અને ડિસેમ્બરમાં ૧૭૪૮ કેસ નોંધાયા હતા, એટલે કે માત્ર વર્ષ ૨૦૨૫માં જ ૧૪,૫૩૮થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા હતા. આ જ ભયાનક સિલસિલો વર્ષ ૨૦૨૬માં પણ વણથંભ્યો રહ્યો છે, જેમાં જાન્યુઆરીમાં ૧૬૧૫, ફેબ્રુઆરીમાં ૧૨૮૭, માર્ચમાં ૧૪૫૦, એપ્રિલમાં ૧૩૮૩, મે માસમાં ૧૪૫૧, જૂનમાં ૧૨૩૪, જુલાઈમાં ૯૮૨, ઓગસ્ટમાં ૧૦૧૨, સપ્ટેમ્બરમાં ૧૦૨૧ અને ઓક્ટોબરમાં અંદાજીત ૧૦૦૦ જેટલા ડોગ બાઈટના કિસ્સા સામે આવ્યા છે. આમ છેલ્લા બે વર્ષના ગાળામાં જ ૨૮,૦૦૦થી વધુ લોકોને શ્વાનોએ બચકાં ભર્યા હોવાના આંકડા સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ તો માત્ર એક સરકારી હોસ્પિટલના આંકડા છે તે સિવાયના પ્રાઇવેટ હોસ્પિટલ, કલીનીકના આંકડા તો હજુ છુપા રહ્યા છે.
આટલા મોટા પાયે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા હોવા છતાં, સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદાકીય મજબૂરી અને ’એનિમલ બર્થ કંટ્રોલ’ના કાગળ પરના નિયમો બતાવીને હાથ અધ્ધર કરી રહ્યા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે કૂતરાઓને પકડીને માત્ર ખસીકરણ અને રસીકરણ કર્યા બાદ ફરી એ જ ગલી કે એરિયામાં છોડી મૂકવાનો કાયદો શું માનવજીવન કરતા પણ વધુ મહત્ત્વનો છે..? આટલા બધા બનાવો અને મૃત્યુ થવા છતાં તંત્ર કૂતરાઓને પકડીને શહેર બહાર સરકારી ખરાબા કે સ્પેશિયલ શેલ્ટર હોમમાં ખસેડવાની મંજૂરી કેમ આપતું નથી...? શું સરકાર હજુ કોઈ મોટા અનિચ્છનીય બનાવ કે વધુ નિર્દોષ માસૂમોના બલિદાનની રાહ જોઈ રહી છે?
આમ જનતામાંથી હવે સ્પષ્ટ અને આકરી માંગ ઉઠી રહી છે કે માનવજીવનની સુરક્ષા માટે કાયદાકીય નિયમોમાં તાત્કાલિક સુધારો લાવવામાં આવે. જે લોકો કે સંસ્થાઓ પોતે ’ડોગ લવર’ હોવાનો દાવો કરે છે, તેમને જ આ શ્વાનોને પોતાના ઘરમાં કે નિશ્ચિત જગ્યાએ પરમિશન લઈને રાખવાની છૂટ આપવી જોઈએ. એટલું જ નહીં, ભવિષ્યમાં તે શ્વાન દ્વારા કોઈ નાગરિક પર હુમલો થાય કે નુકસાન થાય તો તેની તમામ કાયદાકીય અને આર્થિક જવાબદારી તે વ્યક્તિની જ રહેશે તે મુજબના કડક એગ્રીમેન્ટ કરવાનો નિયમ અમલમાં મૂકવો જોઈએ.
હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં હડકાયા અને રખડતા શ્વાનોને તાત્કાલિક ધોરણે પકડીને સરકારી ખરાબા કે સરકારે નક્કી કરેલી કોઈ સુરક્ષિત જગ્યાએ કાયમ માટે ખસેડવામાં આવે તેવી લોકમાગ ઉગ્ર બની છે. હવે જોવાનું એ રહે છે કે આંકડાઓના આ ભયાનક વિસ્ફોટ અને પ્રજાના આક્રોશ પછી પણ સરકાર અને તંત્ર ઊંઘમાંથી જાગીને કોઈ વ્યવહારુ ઉકેલ લાવે છે કે પછી કાગળ પરના કાયદાઓ બતાવીને જનતાને શ્વાનોના દયા પર છોડી દે છે.
આજની આ ભયાનક વાસ્તવિકતા એ છે કે શહેરની ગલીઓ, સોસાયટીઓ અને બાળકોના રમવાના મેદાનો પણ હવેસુરક્ષિત નથી રહ્યા. જે દેશ કે રાજ્યમાં નાગરિકોની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ, ત્યાં આજે સામાન્ય પ્રજા શેરીઓમાં નીકળતા પહેલા સો વખત વિચારવા મજબૂર બને છે. આ માત્ર કોઈ એક શહેર કે વિસ્તારની નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની કૂંડાળે વળતી કરુણતા છે.
જ્યારે આંકડાઓ ખુદ પોકારીને કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષમાં ૨૮ હજારથી વધુ નિર્દોષ નાગરિકો શ્વાનના બચકાંનો ભોગ બન્યા છે, ત્યારે વહીવટી તંત્રની આ ચૂપકીદી અને લાચારી પ્રજાના ઘા પર મીઠું છાંટવા સમાન છે. કાયદાની પુસ્તિકાઓ અને ગૂંચવણભર્યા નિયમો આગળ ધરીને માનવજીવન સાથે ચેડાં કરવાનો હક આ સરકાર કે તંત્રને કોણે આપ્યો...? શું એક માનવજીવનની કિંમત કાગળ પરના કેટલાક નિયમોથી પણ ઓછી છે...?
જે લોકો પ્રાણી પ્રત્યેની દયાના નામે માત્ર વાતો કરે છે અથવા કાગળ પર નીતિઓ ઘડે છે, તેમણે ક્યારેય એ માસૂમ બાળકો અને પરિવારની વેદના જોઈ છે જેમના ઘરનો ચિરાગ આ રખડતા શ્વાનોના કારણે બૂઝાઈ ગયો છે..? અથવ ગંભીર રીતે ઘાયલ થયા છે,જો કાયદો જનતાની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડે, તો તેવા કાયદાનો અર્થ જ શું...? હવે પ્રજાની એક જ સ્પષ્ટ માંગ છે કે અધિકારીઓ એસી રૂમની બહાર આવીને ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ, ત્વરિત પગલાં ભરે.અને જરૂરી કાર્યવાહી કરી તાત્કાલિક પગલાં ભરે.