જામનગર: સિકકા સોલ્ટ વિસ્તારમાં ૧.૮૦ લાખના એલ્યુમીનીયમ વાયરની ચોરી
થાંભલામાંથી ૬૩૦૦ મીટર વાયર કાપી ગયા : અજાણ્યા શખ્સોનું કારસ્તાન
સિકકા સોલ્ટ વિસ્તારમાં આવેલ ઇલેકટ્રીક થાંભલાની લાઇનમાંથી કોઇ અજાણ્યા શખ્સો કુલ ૧.૮૦ લાખનો એલ્યુમીનીયમનો તાર ચોરી કરીને લઇ ગયા છે, આ અંગે ફરીયાદ કરવામાં આવી છે.
સિકકા પીજીવીસીએલના બે ઇજનેર અમિતભાઇ પરમાર દ્વારા અજાણ્યા શખ્સો સામે ગઇકાલે વાયર ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી, ગત તા. ૨૦-૧૨-૨૫થી ૨૫-૮-૨૬ના સમયગાળા દરમ્યાન સિકકા સોલ્ટ વિસ્તારમાં આવેલ ઇલે. થાંભલાના કુલ ૪૫ ગાળાનો એલ્યુમીનીયમનો એલટી વાયર (તાર) આશરે ૫૪૦૦ મીટર જેની કિ. ૧.૩૩.૪૦૦ ગણવામાં આવી છે તેમજ ૧૧ કેવી વિજલાઇનના ૭ ગાળાનો આશરે ૮૪૦ મીટર એચટી વાયર કિ. ૩૮૦૦૦ અને એકસએલપીઇ કેબલ આશરે ૭ મીટર જેની કિ. ૮૦૦૦ મળી કુલ ૧.૮૦.૪૦૦ની કિંમતનો એલ્યુમીનીયમ વાયર અજાણ્યા શખ્સો કાપીને ચોરી કરી ગયા છે. આ ફરીયાદના આધારે સિકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જામનગર નજીકની વાડીઓમાંથી મોટરમાં ફીટ કરેલો ઇલેકટ્રીક વાયર ચોરી થયાની ફરીયાદો દાખલ કરવામાં આવી હતી સિકકા વિસ્તારમાં પણ વાયર ચોરી કરી ગયાની ફરીયાદો ઉઠતા આ દિશામાં જીણવટરભરી તપાસ આદરવામાં આવી છે.