જામનગર: ધ્રોલના ગોકુલપરમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી
૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત: કેરબામાં ઇંધણ ભરતા પોલીસ પ્રગટી : બે શખ્સની અટક
ધ્રોલ પોલીસ સ્ટેશનની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલ કાઢી વેચાણ માટે કેરબામાં ભરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩૨,૪૯,૪૯૯નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૭ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ લતીપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે ગોકુલપર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ટેન્કરનું સીલ તોડી પ્લાસ્ટિકની પાઇપ મારફતે બ્રેજા કારમાં રાખેલા પ્લાસ્ટિકના કેરબામાં પેટ્રોલ અને ડીઝલ ભરાતું જોવા મળ્યું હતું.
પોલીસે સ્થળ પરથી મયુર રામભાઈ બાલસરા (ઉ.વ. ૨૮, રહે. વિદ્યુતનગર, મોરબી) અને સોમા વકુભાઈ નાગેશ (ઉ.વ. ૪૦, હાલ રહે. પડાણા, તા. લાલપુર, મૂળ રહે. દાત્રાણા, દેવભૂમિ દ્વારકા)ની અટકાયત કરી હતી.
દરોડા દરમિયાન બ્રેજા કાર, આશરે ૮૦ લિટર ડીઝલ, ૪૦ લિટર પેટ્રોલ, પ્લાસ્ટિકની પાઇપ, સીલ તોડવાનું કટીંગ પકડ, બે મોબાઇલ ફોન તેમજ ટેન્કરમાં રહેલું ઇંધણ સહિત કુલ ૩૨,૪૯,૪૯૯નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.