ખંભાળિયા નજીક પવન ચક્કીના ૧૫.૫૦ લાખના વાયર-કોપર પ્લેટની ચોરી
મોટી ખોખરી વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા : તપાસનો ધમધમાટ
ખંભાળીયા નજીક પવનચકકીના ૧૫.૫૦ લાખના વાયર અને કોપર પ્લેટની ચોરી કરી ગયાનો મામલો સામે આવતા આ અંગે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસને આગળ ધપાવી છે.
ખંભાળિયાથી આશરે ૨૮ કિલોમીટર દૂર મોટી ખોખરી ગામે આવેલી પાવરીકા રીન્યુએબલ ઇન્ફ્રા પ્રા. લિ. ના પવન ચક્કીના ચોક્કસ લોકેશનની બહારના ભાગે આવેલો દરવાજો ખોલી, ગત તા. ૩૦ જૂનથી તા. ૭ જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો અહીં રાખવામાં આવેલા ૧૫ લાખની કિંમતના ઇલેક્ટ્રીક વાયર તથા રૂ. ૫૦ હજારની કિંમતની કોપર પ્લેટની ચોરી કરીને લઈ ગયા હતા.
આ અંગે ફરિયાદ કંપનીના મેનેજર સ્નેહલકુમાર ચંદુલાલ પટેલ (ઉ.વ. ૩૯, રહે. મુળ વિજાપુર, જી. મહેસાણા) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.