જામનગરમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ૧૭મી સપ્ટેમ્બરે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાશે: બાલા હનુમાન મંદિર અને રણમલ તળાવ ખાતે હજારો નાગરિકો દીપ પ્રગટાવશે
કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સામાજિક-ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ
તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ રણમલ તળાવ ખાતે સાંજે ૫:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન નાગરિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જામનગર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૈકી તા. ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવારના રોજ શહેરના વિશ્વવિખ્યાત શ્રી બાલા હનુમાન મંદિર તેમજ રણમલ તળાવ પરિસરમાં 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના હજારો નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈને દીપ પ્રગટાવશે.
આ સમગ્ર કાર્યક્રમને સુચારૂ, આયોજનબદ્ધ અને સફળ બનાવવાના હેતુસર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમની પૂર્વતૈયારીઓ, નાગરિકોની વ્યવસ્થા અને સુવિધા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ અવસરે શહેરની વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ થી ૯:૦૦ કલાક દરમિયાન રણમલ તળાવ ખાતે આવનાર તમામ મુલાકાતીઓ અને નાગરિકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ શહેરના સામાજિક-ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસન દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને શહેરજનોને આ દિવ્ય 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.