જામનગરમાં તોળાતા જળસંકટ વચ્ચે મનપાના ટાંકામાંથી હજારો લીટર પાણીનો વેડફાટ
જામનગરમાં તોળાતા જળસંકટ વચ્ચે મનપાના ટાંકામાંથી હજારો લીટર પાણીનો વેડફાટ
September 25, 2026 12:24 PM
જામનગરમાં તોળાતા જળસંકટ વચ્ચે મનપાના ટાંકામાંથી હજારો લીટર પાણીનો વેડફાટ
જામનગરમાં ચાલુ વર્ષે ખૂબજ અપૂરતો વરસાદ થયો હોય મોટાભાગના જળાશયો ખાલીખમ પડયા છે તો શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવી શહેરમાં એકાંતરા પાણી વિતરણનું ગાડું ગબડાવામાં આવી રહ્યું છે.ચોમાસું પૂર્ણ થવાના આરે છે અને હવે વરસાદના કોઇ એંધાણ નથી. આથી જામનગર પર ગંભીર જળસંકટ તોળાઇ રહ્યું છે.
પાણીની કટોકટીભરી સ્થિતિમાં બે દીવસ પહેલા મહાનગરપાલીકા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ મહાનગરપાલીકાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને વેડફાટ તથા બગાડ ન કરવા શહેરીજનોને અપીલ કરી હતી. પરંતુ બીજી બાજુ મનપાને આ અપીલ સાથે કોઇ લેવાદેવા ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, શહેરમાં છાશવારે પાઇપલાઇન લીકેજના કારણે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બે દીવસ પહેલા જી.ડી.શાહ હાઇસ્કૂલ નજીક પાઇપલાઇન લીકેજ થતાં માર્ગો પર પાણી ભરાયા હતાં. જયારે ગઇકાલે રાત્રીના દિગ્જામ સર્કલ પાસે આવેલા મહાનગરપાલીકાના પાણીના ટાંકાની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતાં વગર વરસાદે માર્ગો પર પાણીના તલાવડા ભરાયા હતાં. જો કે, લીકેજની જાણ થતાં તાકીદે લાઇન બંધ કરવામાં આવી હતી. આજે આ લાઇનનું રીપેરીંગ કામગીરી વોટર વર્કસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જો રીપેરીંગ થઇ જશે તો ખોડીયાર કોલોની વિસ્તારમાં ૪ થી ૫ કલાક પાણી વિતરણ મોડું થવાની શકયતા છે.
પરંતુ જો રીપેરીંગ નહીં થાય તો આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે. બીજી બાજુ શહેરમાં છાશવારે પાઇપલાઇનમાં લીકેજથી પાણીની મોકાણ વચ્ચે વેડફાટ થતાં કમિશ્ર્નરની જળ બચાવની અપીલ વહી ગઇ હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.