BREAKING NEWS

ખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી ધમકી

  • August 31, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી ધમકી 

ત્રણ સામે ફરિયાદ : ૧૭ હજાર સામે દોઢ લાખ વસૂલ કર્યા છતાં યુવાનને અપમાનિત કર્યો

ખંભાળિયાના યુવાન પાસેથી પઠાણી વ્યાજ વસૂલ કરી, પરેશાન કરવા તેમજ અપમાનિત કરવા અંગેના પ્રકરણમાં ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં નગર ગેટ વિસ્તારમાં વણકર આવાસ ખાતે રહેતા જયસુખભાઈ જીવાભાઈ સુરાડીયા નામના ૨૨ વર્ષના અનુસૂચિત જાતિના યુવાને થોડા સમય પૂર્વે અત્રે પાંચ હાટડી ચોકમાં રહેતા વિશાલ દુલા વરમલ નામના શખ્સ પાસેથી ૧૭,૦૦૦ ની રકમ હાથ ઉછીની લીધી હતી. તેના બદલામાં જયસુખભાઈએ વિશાલ વરમલને રૂપિયા દોઢ લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્જેક્શનથી પરત આપી દીધી હતી. તેમ છતાં પણ આરોપીએ નાણાં ધીરધારના લાયસન્સ વગર ફરિયાદી જયસુખભાઈ પાસેથી વ્યાજની વધુ રકમ મેળવી તેમની પાસે બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવામાં આવતી હતી.

આરોપી દ્વારા ફરિયાદી પાસેથી સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં માર મારી ગાળો કાઢી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ આરોપીએ ફરિયાદીના ઘરે આવીને ૫,૦૦૦ ની માંગણી કરતા ફરિયાદીએ પૈસા નહીં હોવાનું કહ્યું હતું. જેથી આરોપીએ તેને પેટમાં મૂઢ ઈજા પહોંચાડી, જો પૈસા નહીં, આપે તો ગર્ભિત ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું વધુમાં જાહેર થયું છે.

આ પ્રકરણમાં અન્ય આરોપીઓ જીતુ બાલાભાઈ ડોરુ અને જયવીરસિંહ જેઠવાના નામ પણ જાહેર થયા છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે જી.પી. એક્ટ અને નાણાં ધીરધાર અધિનિયમ તેમજ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી મીત રુદલાલ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application