એક શખ્સે બોલાચાલી કરી કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી
કાલાવડ તાલુકાના નિકાવા ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે ગયેલી પીજીવીસીએલની ટીમને એક શખ્સે અટકાવી ઉગ્ર બોલાચાલી કરી, ગાળાગાળી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ગામમાં રહેતા એક શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માલણકા ગામના વતની અને હાલ નિકાવા ખાતે પીજીવીસીએલની કચેરીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અજયભાઈ બળવંતભાઈ ઢાપા (ઉં.વ. ૨૯) ગત તા. ૮ સવારે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સાથે નીકાવા ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે નીકળ્યા હતા.
આ દરમિયાન નિકાવા ગામમાં દરગાહ સામે આવેલા રહેણાંક વિસ્તારમાં પહોંચતા ગામના રફીકશા કાદરશા શાહમદાર નામના શખ્સે તેમની પાસે આવી અહીં શા માટે આવ્યા છો તેમ કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.ફરિયાદ મુજબ, પીજીવીસીએલના કર્મચારીએ સરકારના ધોરણ મુજબ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે આવ્યા હોવાનું સમજાવ્યું હતું.
જોકે, આરોપીએ પોતાના વિસ્તારમાં કોઈ સ્માર્ટ મીટર લગાવવા નહીં દેવાની વાત કરી હતી. આ ઉપરાંત પીજીવીસીએલની કચેરીના અધિકારી અંગે પણ અપશબ્દો ઉચ્ચાર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવવા આવશો તો પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કાયદેસરની રાજય સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ અંગે પીજીવીસીએલના જુનિયર ઇજનેરને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રફીકશા કાદરશા શાહમદાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૧, ૩૫૧(૨), ૩૫૧(૩) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવવા જેવી સરકારી કામગીરી દરમિયાન કર્મચારીઓને અટકાવી ધમકી આપવાના આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.