જામનગર : મોટા ખડબા ગામમાં ખાનગી કંપનીના કર્મચારીને મારી નાખવાની ધમકી
સોલાર પેનલ લગાડવાનું કામ કરવા જતા ગામનો શખ્સ વિફર્યો: ગાડા માર્ગ કાઢી આપવા બબાલ કરી
લાલપુર તાલુકાના મોટા ખડબામાં સોલાર પેનલ લગાડવા ગયેલા કંપનીના કર્મચારી તથા માણસોેને જેમ તેમ બોલીને ફરીયાદીને મારી નાખવાની ધમકી દીધાની મોટા ખડબા ગામમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે જેના આધારે લાલપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના ગ્રીન સીટી-૩ ગોકુલધામ સોસાયટીમાં રહેતા માઉન્ટેન રીન્યુબલ પાવર લીમીટેડમાં નોકરી કરતા સુનિલ મણીલાલ પટેલ દ્વારા ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં મોટા ખડબા ગામમાં રહેતા હરપાલસિંહ નરપતસિંહ જાડેજાની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી સુનિલભાઇ લાલપુર તાલુકાના મોટા ખડબા ગામના સર્વે નં. ૮૬૭, ૯૭૨, ૯૭૩માં સોલાર પેનલ લગાડવાનું કામ રાખેલ હોય અને સર્વે નં. ૯૭૨ પર ફરીયાદી અને તેના કંપનીના માણસો સોલાર પેનલ લગાડવાનું કામ કરતા હતા એ દરમ્યાન હરપાલસિંહ ફરીયાદીને કહેવા લાગેલ કે અહીં કામ કરતા નહી પહેલા તમે મને મારી ખેતીની જમીને જવા માટે ૧૦૦ ફુટ ગાડા મારગ કાઢી આપો તેવી વાત કરી હતી.
આ પ્રકારની વાત કરી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા કંપનીના માણસોને અપશબ્દો બોલી ઝાડીમાંથી ધોકો કાઢીને ફરીયાદી સામે ઉગામીને ટાંટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.